અમદાવાદના બોપલ અને ઘુમા વિસ્તારમાં સફાઈ મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સૂચના બાદ ત્રણ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની કમિટીએ જે તે સમયે નગરપાલિકાના આપેલા રેકોર્ડ મુજબ 53 જેટલા સફાઈ કામદારોને કોર્પોરેશનમાં રોજિંદા કર્મચારી તરીકે નિમણુંક આપતાં હવે વિવાદ થયો છે. બોપલ વિસ્તારમાં સફાઈ કામગીરી આજે શરૂ કરવામાં આવી હતી.
કેટલાક સફાઈ કામદારો દ્વારા આજે વિરોધ કરવામાં આવ્યો હતો. કોર્પોરેશન દ્વારા સફાઈ કામદારોની માંગણી ન સંતોષવામાં આવતાં કેટલાક સફાઈ કામદારોએ રોડ પર
જ ફીનાઇલ પીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. ત્રણ સફાઈ કામદારોએ ફીનાઇલ પી લેતાં સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે સવારે સફાઈ ચાલુ થઈ હતી ત્યારે મેં રાઉન્ડ લીધો હતો પરંતુ આવી કોઈ ઘટના બની છે તેની મને કોઈ જાણ નથી. બોપલ પોલીસ સ્ટેશનના PI પી.આર જાડેજા એ જણાવ્યું હતું કે કેટલાક કર્મચારીઓએ ફીનાઇલ કીધું હોવાનું જાણવા મળ્યું છે અને હાલમાં તેઓને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે કાયમી કરવાની માંગણીને લઈ અને આજે સફાઈ કામદારોએ વિરોધ કર્યો હતો. મળતી માહિતી મુજબ બોપલ અને ઘુમાં વિસ્તારમાં સફાઈ માટે જ્યારે નગરપાલિકામાંથી કોર્પોરેશનમાં ભળ્યુ ત્યારે 53 જેટલા કર્મચારીઓનું લિસ્ટ કોર્પોરેશનને આપવામાં આવ્યું હતું. આ 53 કર્મચારીઓને વિવાદ બાદ 2 સપ્ટેમ્બરના રોજ રોજિંદા કર્મચારીઓ તરીકે લેવાયાં હતા. કેટલાક કર્મચારીઓને નોકરી પર લેવામાં ન આવ્યા હોવાને લઈ અને સફાઈ કામદારોએ આજે વિરોધ કર્યો હતો. સફાઈ કામદારોની માંગણી સાથે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. 25 જેટલા મહિલા અને પુરુષ કામદારો બોપલ વિસ્તારમાં સફાઈ ચાલતી હતી ત્યારે પહોંચી ગયા હતા. મહિલાઓ અને પુરૂષોએ માથે ફીનાઇલ નાખી અને પી લીધું હતું. જો કે ઘટનાસ્થળે હાજર પોલીસે પણ તેમના હાથમાંથી ફીનાઇલ લઈ લીધુ હતું. બોપલ અને ઘુમા વિસ્તારમાં સફાઈ માટે પહેલા 53 અને બાદમાં વિવિધ ઝોનમાંથી 119 જેટલા કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી હતી. તેમાંથી આજે કેટલાક કર્મચારીઓ હાજર થતા સવારે પોલીસ બંદોબસ્ત સાથે બોપલ વિસ્તારમાં સફાઈ શરૂ કરવામાં આવી હતી. જેમાં મ્યુનિસિપલ કમિશનર રમેશ મેરજા, ઉત્તર પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના આસિસ્ટન્ટ ડાયરેક્ટર કલ્પેશ પટેલ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા અને સફાઈ કરાવી હતી પરંતુ અચાનક જ કેટલાક સફાઈ કર્મચારીઓ ત્યાં પહોંચી અને પોતાની માંગણીઓ સાથેનો વિરોધ કર્યો હતો.