Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગીરમાં વધી રહેલી ઔધોગિક પ્રવૃત્તિ સિંહોના રહેઠાણ માટે ખતરારૂપ હોવાનો અભ્યાસ લેખ

ગીરમાં વધી રહેલી ઔધોગિક પ્રવૃત્તિ સિંહોના રહેઠાણ માટે ખતરારૂપ હોવાનો અભ્યાસ લેખ
, શનિવાર, 18 માર્ચ 2017 (12:06 IST)
એશિયાઈ સિંહોનું એકમાત્ર આવાસસ્થાન ગીર હવે સિંહોના સંરક્ષણ માટે વિશ્વ સમક્ષ નમુનારૃપ બન્યું છે. પરંતુ આ સિંહો પર ખતરો પણ વધી રહ્યો છે. વૈજ્ઞાનિક અભ્યાસપત્ર (જર્નલ) 'કરન્ટ સાયન્સ'માં ગીરના સિંહો અંગે અભ્યાસ લેખ પ્રગટ થયો છે. તેમાં સિંહો સામેના ખતરા અને ગીરમાં સિંહોની વસતી વૃદ્ધિના કારણો સહિતના મુદ્દાની ચર્ચા કરવામાં આવી છે.

નેશનલ બોર્ડ ફોર વાઈલ્ડલાઈફના સભ્ય એચ.એસ.સિંહે રજૂ કરેલા અભ્યાસ લેખમાં ચેતવણી આપવામાં આવી છે કે ગીરમાં અને ગીર ફરતે વધી રહેલી ઔદ્યોગિક પ્રવૃત્તિ સિંહ માટે ખતરારૃપ છે. ગીર આસપાસ સતત નવાં નવાં બાંધકામો થઈ રહ્યા છે. ગીર આસપાસ કેટલીક ખાણો ધમધમી રહી છે. એ બધી પ્રવૃત્તિઓને કારણે સિંહોને નુકસાન થઈ રહ્યું છે. પિપાવાવ-રાજુલા વચ્ચે પસાર થતી રેલવે લાઈન એ સિંહો માટે નવો ખતરો બની છે. આ રેલવે નીચે આવીને સિંહો મૃત્યુ પામતા હોવાના બનાવો નોંધાયા છે.

ગીર આસપાસ જમીનનો એ રીતે ઉપયોગ થઈ રહ્યો છે કે જેનાથી ઘાસિયો વિસ્તાર ઓછો થતો જાય છે. સિંહોને રહેવા જોઈએ એવો વગડાઉ પ્રદેશ ઘટતો જાય છે. પરિણામે સિંહો ગીરના જંગલને છોડીને બહાર નીકળવા મજબૂર થયા છે. બીજી તરફ ગીરમાં વધુ રસ્તા બંધાઈ રહ્યા છે, જ્યારે જે રસ્તા છે, તેને વધુ ઝડપી બનાવાઈ રહ્યા છે. સિંહોની વસતીને આ પ્રકારના વિકાસથી ખતરો છે.

અભ્યાસલેખમાં જોકે ગીરમાં સિંહો સાથે રહેતા સ્થાનિક પ્રજાના તાદામ્યના વખાણ કરવામાં આવ્યા છે. ગીરમાં રહેતા માલધારીઓ પરંપરાગત રીતે સદીઓથી સિંહ સાથે રહે છે. માટે સિંહ અને તેમની સાથે રહેતા લોકો એકબીજાની સંસ્કૃતિનો ભાગ બની ગયા છે. બન્ને પક્ષોને એકબીજાથી ખતરો રહ્યો નથી. ગીરની માફક આફ્રિકામાં સિંહો અને સ્થાનિક લોકો સાથે રહી શકતા નથી. અલબત્ત, કેટલાક ગામવાસીઓની સિંહ અંગેની સમજણ મર્યાદિત હોવાની પણ નોંધ કરી છે. આવા વિસ્તારમાંથી સિંહોને ખસેડવા જોઈએ. બાકી ગામવાસીઓ સાથે તેમનો સંઘર્ષ વઘતો જશે. ઉલ્લેખનિય છે કે કેટલાક ગામવાસીઓ સિંહ ગામમાં આવે તો તેની પાછળ ટ્રેકટર દોડાવવા જેવી અમાનવીય પ્રવૃત્તિઓ કરે છે.

૧૯૬૫થી શરૃ કરીને ૨૦૧૫ સુધીના પાંચ દાયકામાં ગીરમા સિંહોની વસતી ચાર ગણી વધી છે. તેની સામે સિંહોનો ખોરાક બની શકે એવા સજીવોની સંખ્યામાં પણ ઉછાળો આવ્યો છે. ૧૯૭૪માં દરેક સિંહ માટે શિકાર થઈ શકે એવા સસ્તન પ્રાણીની સંખ્યા સરેરાશ ૫૪ હતી. એ હવે વધીને ૨૬૪ થઈ છે. પરંતુ ગીરનો વિસ્તાર સિંહો માટે પુરતો નથી. માટે અત્યારે ૪૦ ટકા સિંહો ગીરની બહાર રહેવા લાગ્યા છે.

સિંહોએ ગીર બહાર નીકળવાની શરૃઆત ક્યારથી કરી? એ સવાલના જવાબમાં રસપ્રદ વિગતો ટાંકવામાં આવી છે. અડધી સદી પહેલા બે-પાંચ સિંહો મિતિયાળા અને ગિરનારના જંગલમાં રહેતા જોવા મળ્યા હતા. પરંતુ મોટે પાયે માઈગ્રેશન ૧૯૮૭-૮૮ના દુષ્કાળ વખતે શરૃ થયુ. દુષ્કાળના સમયે સિંહો ખોરાક માટે બહાર નીકળતા થયા હતા. સોરઠ દુષ્કાળ માટે જાણીતો વિસ્તાર છે. વારંવાર પડતાં દુષ્કાળને કારણે સિંહોએ બહાર નીકળવાની અને પછી બહાર રહેવાની આદત અપનાવી લીધી. પછી તો હવે ગીર બહાર જ સિંહોએ ઘણા વિસ્તારને પોતાનો કાયમી રહેણાંક એરિયા બનાવી દીધો છે. ૧૯૭૪ની ગણતરી વખતે સિંહો કુલ મળીને ૩૫૦૦ ચોરસ કિલોમીટરમાં ફરતા હોવાનું નોંધાયુ હતુ. એ પછી ૧૯૯૫માં સિંહોની હેરફેરનો વિસ્તાર વધીને અંદાજે ૫૫૦૦ કિલોમીટર સુધી પહોંચ્યો હતો. ૨૦૧૦નું વર્ષ આવ્યું ત્યાં સુધીમાં ૧૦ હજાર કિલોમીટરનો એવો વિસ્તાર નોંધાયો હતો, જ્યાં સિંહોની હાજરી હોય!

ગીરમાં છેલ્લી ગણતરી પ્રમાણે ૩૦૦થી વધારે દીપડા છે. ગમે તે પ્રાણીનો શિકાર કરી શકતા અને ગમે ત્યાં રહી શકતા દીપડા પર કાબુ મેળવવો ભારે મુશ્કેલ છે. પરંતુ અભ્યાસમાં રજૂ થયેલા તારણ પ્રમાણે ગીરમાં સિંહો છે એટલે દીપડાથી સલામતી છે. ટૂંકમાં સિંહોની હાજરી હોવાને કારણે મોટેભાગે દીપડા સખણા રહે છે. અલબત્ત, તો પણ દીપડા અને માનવીઓ વચ્ચેનો સંઘર્ષ વધી રહ્યો છે અને એ ખતરનાક પણ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બાંગ્લાદેશની 14 વર્ષની સગીરા પર અમદાવાદ-માંગરોળમાં ગેંગરેપ