Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજ્યના ખેડૂતોના ઊભા પાકને બચાવવા મુખ્યમંત્રીનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય, રાજ્યના જળાશયો-ડેમમાંથી ખેડૂતોને સિંચાઇ માટે પાણી અપાશે

રાજ્યના ખેડૂતોના ઊભા પાકને બચાવવા મુખ્યમંત્રીનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય, રાજ્યના જળાશયો-ડેમમાંથી ખેડૂતોને સિંચાઇ માટે પાણી અપાશે
, મંગળવાર, 10 ઑગસ્ટ 2021 (21:27 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતોના ઊભા પાકને બચાવવાના કૃષિ હિતકારી અભિગમથી વધુ એક સંવેદનાસ્પર્શી નિર્ણય કર્યો છે. રાજ્યમાં વરસાદ ખેંચાવાની પ્રવર્તમાન સ્થિતીમાં ખેડૂતોના ઊભા પાકને નૂકશાનથી બચાવવા પાણી મળી રહે તેવા અભિગમથી મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના જળાશયો-ડેમમાંથી સિંચાઇ માટે પાણી છોડવાનો નિર્ણય કર્યો છે.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જળસંપત્તિ વિભાગને આદેશો આપ્યા છે કે, રાજ્યના જળાશયોમાં આગામી તા.૩૦ સપ્ટેમ્બર સુધીનો પીવાના પાણીનો જથ્થો અનામત-રિઝર્વ રાખીને બાકી રહેતો પાણીનો જથ્થો ધરતીપુત્રોના ઊભા પાકને બચાવવા સિંચાઇ માટે તાત્કાલિક અસરથી છોડવામાં આવે.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીના આ કિસાન હિતકારી અભિગમને પરિણામે તા.૩૦ સપ્ટેમ્બર સુધી રાજ્યના જળાશયોમાં પીવાના પાણીનો જથ્થો અનામત રાખ્યા બાદ ખેડૂતોને સિંચાઇ માટે પાણી અપાશે તેનો લાભ સમગ્રતયા રાજ્યના પાંચ લાખ હેકટર જમીન વિસ્તારને મળતો થશે.
 
તદઅનુસાર, સૌરાષ્ટ્ર વિસ્તારના ૧૪૧ ડેમ પૈકી ૮૮ જળાશયોમાંથી સિંચાઇ માટે પાણી અપાતા સૌરાષ્ટ્ર વિસ્તારની ૬૦ હજાર હેકટર જમીનને તેમજ ઉત્તર ગુજરાતમાં ધરોઇ ડેમનું પાણી ૧પ હજાર હેકટરને સિંચાઇ માટે મળતું થવાનું છે.
 
એટલું જ નહિ, મધ્ય ગુજરાતના કડાણા જળાશયમાંથી મહિ કમાન્ડને ૬ હજાર કયુસેકસ પાણી સિંચાઇ માટે પૂરૂં પાડવામાં આવશે. આ ઉપરાંત પાનમ સહિતના ૧૧ જળાશયોમાંથી ર લાખ ૧૦ હજાર હેકટરને સિંચાઇ માટે પાણી અપાશે. દક્ષિણ ગુજરાત વિસ્તારના ૬ જળાશયોમાંથી આપવામાં આવનારા પાણીથી આ વિસ્તારની ૧ લાખ ૯૦ હજાર હેકટર જમીનને સિંચાઇ સવલતનો ફાયદો થશે. 
 
મુખ્યમંત્રીએ આ અગાઉ જૂલાઇ મહિનામાં ખેડૂતોને ૮ ને બદલે ૧૦ કલાક વીજળી આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરેલો છે. હવે, વરસાદ ખેંચાવાની પ્રવર્તમાન સ્થિતીમાં તેમણે રાજ્યના જળાશયોમાં તા.૩૦ સપ્ટેમ્બર સુધીનો પીવાના પાણીનો જથ્થો આરક્ષિત રાખી બાકી રહેતો પાણીનો જથ્થો ખેડૂતોને સિંચાઇ માટે આપવાનો વધુ એક ખેડૂત લક્ષી નિર્ણય કર્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગીરના જંગલના ઇતિહાસની દુર્લભ તસવીર, એક સાથે પાણી પીતા જોવા મળ્યા હતા 10 સિંહ