ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ આગામી તા.2જી ફ્રેબ્રુઆરીના રોજ યોજાવાનો છે. આ સમારંભમાં 48,881 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવનાર છે. ત્યારે GTUના પૂર્વ કુલપતિ અને વર્તમાન રજિસ્ટ્રારનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. તેમણે 2022ના પદવીદાનમાં GTUના પૈસે પોતાની પત્નીઓને સાડી અપાવી હોવાનો RTIમાં ખુલાસો થયો છે. આ પદવીદાન સમારંભમાં યુનિવર્સીટીના પદાધિકારીઓ સહિત ફેકલ્ટી, ડીનની અલગ ઓળખ માટે ડ્રેસકોડ આપવામાં આવતો હોય છે. તેમાં પુરુષોને કોટી કે કોટ તેમ જ મહિલાઓને સાડી આપવામાં આવતી હોય છે.
ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટીના પદાધિકારીઓમાં પૂર્વ કુલપતિ ડો. નવીન શેઠ અને રજિસ્ટ્રાર કે.એન. ખેરે તેમની ધર્મપત્નીઓને પણ મોંઘીદાટ સાડીઓ અપાવી હોવાની હકીકતનો તાજેતરમાં જ RTIના જવાબમાં પર્દાફાશ થવા પામ્યો છે.ગત વર્ષ 2022ના ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીના 11માં પદવીદાન સમારોહમાં દરેકને ડ્રેસકોડના ભાગરૂપે કોટી અને સાડી આપવામાં આવી હતી. જેમાં A,B,C એમ ત્રણ કેટેગરીમાં કોટી અને સાડી નક્કી કરવામાં આવી હતી. કુલ 3,07,676 રૂપિયાની કિંમતની પુરુષ કર્મચારીઓ માટે કોટીઓ ખરીદવામાં આવી હતી, જ્યારે કુલ 1,50,000 રૂપિયાની કિંમતની સાડીઓ મહિલા કર્મચારીઓ માટે ખરીદવામાં આવી હતી.A કેટેગરીમાં બોર્ડ મેમ્બર, ડાયરેક્ટરનો સમાવેશ કરાયો હતો, તો B કેટેગરીમાં કાયમી અધિકારીઓ અને જેમનો પગાર 40 હજાર રૂપિયાથી ઉપર હોય તેવા કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જ્યારે C કેટેગરીના કર્મચારીઓને કોટી અને સાડી આપવામાં આવી હતી.કુલપતિ ડો. નવીન શેઠનાં ધર્મપત્ની જયશ્રીબેન શેઠ અને રજિસ્ટ્રાર કે.એન. ખેરનાં ધર્મપત્ની સમજુબેન ખેરને A કેટેગરીની સાડીઓ આપવામાં આવી હતી. જેનો RTIની અરજી માં ખુલાસો થયો છે. પૂર્વ કુલપતિ નવીન શેઠ અને વર્તમાન રજિસ્ટ્રારની પત્નીના સાડીના ઓર્ડરનો GTUનાં પરચેઝ ઓર્ડરમાં ઉલ્લેખ મળ્યો છે. GTU તરફથી કુલ 27 હજાર રૂપિયાની 10 સાડીની ખરીદી કરાઈ હતી. જેનું રૂપિયા 27,000નું બિલ જીટીયુના નામે રજૂ કરાયેલ છે.