Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદની રથયાત્રામાં દૂરથી દર્શન કરવા અપીલ, ભાગદોડ રોકવા ઓનલાઈન દર્શનની વ્યવસ્થા

rath yatra
અમદાવાદ , બુધવાર, 3 જુલાઈ 2024 (17:14 IST)
આગામી 7 જુલાઈએ ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા યોજાશે. આજે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ પત્રકાર પરિષદ કરી હતી. ઉત્તરપ્રદેશના હાથરસની ઘટનાને લઈ અમદાવાદની રથયાત્રામાં ભાગદોડ ન થાય તેના માટે મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ લોકોને અપીલ કરી હતી કે, ભગવાનના દર્શન લોકો દૂરથી કરે. દર્શન માટે ધક્કામૂકી કરે નહીં.દરેક લોકો ભગવાનના દર્શન રથની નજીકથી જ કરે તે જરૂરી નથી. દૂરથી ભગવાનના દર્શન કરી શકાય છે. જગન્નાથ મંદિરની વેબસાઇટ WWW.JAGANNATHJI AHD.ORG ઉપર ઓનલાઈન દર્શન થઈ શકશે.
 
કોઈ દુર્ઘટના થાય તો 1 કરોડનો વીમો પણ લેવાયો
જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ નગરચર્ચાએ નીકળશે. રથયાત્રામાં 18 ગજરાજ, 101 ટ્રકમાં વિવિધ સાંસ્કૃતિક ઝાંખીઓ, અંગ કસરતના 30 અખાડા, 18 ભજન મંડળીઓ સાથે ત્રણ બેન્ડવાજાવાળા રહેશે. 1000થી 1200 જેટલાં ખલાસી ભાઈઓ રથ ખેંચશે. જમાલપુર જગન્નાથ મંદિરમાં પ્રાંગણમાં કોઈ દુર્ઘટના થાય તો 1 કરોડનો વીમો પણ લેવાયો છે.રથયાત્રામાં ભાગ લેવા માટે 2000 જેટલાં સાધુ-સંતો હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથ પુરી તથા સૌરાષ્ટ્રમાંથી આવશે. રથયાત્રામાં 30 હજાર કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમની પ્રસાદી થશે. 
 
6 જુલાઈના રોજ ભગવાન સોનાવેશ ધારણ કરશે
5 જુલાઈએ અમાસના દિવસે ભગવાન સરસપુર મામાના ઘરેથી નિજ મંદિર પરત ફરશે. મંદિરે પરત ફર્યા બાદ ભગવાનની વહેલી સવારે નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે. આ વિધિ કર્યા બાદ મંદિરના ધ્વજારોહણ કરવામાં આવશે. દેશના વિવિધ રાજ્યો અને ગુજરાતમાં વિવિધ શહેરોમાંથી આવેલા સાધુ-સંતોનો ભંડારો યોજાશે. 6 જુલાઈના રોજ ભગવાન સોનાવેશ ધારણ કરશે. બપોરે ગજરાજનું પૂજન કરવામાં આવશે. બપોરે ત્રણ વાગ્યે ત્રણેય રથ મંદિર પ્રાંગણમાં લાવવામાં આવશે અને રથની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે. સાંજે ભગવાનની વિશેષ આરતી અને પૂજા કરવામાં આવશે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી પણ હાજર રહેશે.
 
7 જુલાઈએ સવારે 3.45 વાગ્યે મંદિરના દ્વાર ખૂલશે
સાતમી જુલાઈએ સવારે 3.45 વાગ્યે મંદિરના દ્વાર ખુલશે અને ચાર વાગ્યે ભગવાનની મંગળા આરતી કરવામાં આવશે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે. સવારે 4.30 વાગ્યે ભગવાનને વિશિષ્ટ ભોગ ધરાવવામાં આવશે. સવારે 5.45 વાગ્યે ભગવાનનો રથમાં પ્રવેશ થશે. સવારે 7 વાગ્યે રથયાત્રાનો શુભારંભ થશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરવામાં આવશે અને રથ ખેચી રથયાત્રા શરૂ થશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વીડિયો: ભારે વરસાદ વચ્ચે હાઇ વોલ્ટેજ પાવર લાઇનનો પોલ ચાલતી કાર પર પડ્યો