ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે પણ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ભારે મહેરબાન થયાં છે. ખાસ કરીને નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. અનેક નિચાણવાળા વિસ્તારોમાં નદીઓના પાણી ઘૂસી જતાં અનેક લોકોનું સ્થાળાંતર કરવામાં આવ્યું છે. બીજી તરફ કાવેરી નદીના વહેણમાં 1200 જેટલા લોકો ફસાયા હતા. જેથી પોલીસે તમામનું રેસ્ક્યૂ કર્યું હતું.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 142 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ખેરગામમાં સવા 9 ઈંચ વરસાદ ખાબક્યો છે. તેમજ ધરમપુરમાં સાત ઈંચ વરસાદ વરસ્યો છે.ગણદેવી તાલુકાના 18 વિસ્તારમાંથી 966 જેટલા લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યાં છે. ગ્રામ પંચાયત સહિત જાહેર લગ્નના હોલમાં નિચાળવાળા વિસ્તારોને રાત્રિના સમયે સ્થળાંતરિત કરવામાં આવ્યાં છે.પૂર્ણા નદીની સપાટીમાં વધારો થાય તો નવસારી શહેરમાં પૂરની સ્થિતિનું નિર્માણ થાય છે.
પૂર્ણા નદી હાલ 22 ફૂટની સપાટીએ વહી રહી છે. તેમજ નદીની ભયજનક સપાટી 23 ફૂટ છે. પૂર્ણા નદીના કેજમેન્ટ એરિયા તાપી અને સુરત જિલ્લામાં વરસાદ ઘટતા પૂર્ણા નદીની સપાટી ઘટી છે.નવસારીમાં બે દિવસથી પડી રહેલા ભારે વરસાદ અને ઉપરવાસના ડાંગ જિલ્લામાં પડેલા વરસાદને કારણે અંબિકા અને કાવેરી ગાંડીતૂર બની છે. જેના કારણે ગણદેવી તાલુકાના બીલીમોરા શહેર સહિત 14 ગામોમાં પૂરની અસર થતાં તાલુકા ભાજપના આગેવાનો તંત્ર સાથે લોકોની સેવામાં જોડાયા હતા. બીલીમોરાના નિચાળવારા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જ્યારે ગણદેવીના ચાર ગામોમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા હતા. અત્યાર સુધીમાં જિલ્લામાં 900થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે.
સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે ગણદેવીના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલ પણ બીલીમોરાના વખારીયા બંદર રોડ ખાતે પહોંચ્યા હતા. જ્યાં લોકો અને તંત્રના અધિકારીઓ સાથે વાત કરી સમસ્યાનું સમાધાન સાથે સ્થળાંતરિત કરેલા લોકોના ભોજન તેમજ આરોગ્યની વ્યવસ્થા કરવામાં આવી હોવાની માહિતી આપી હતી.