અલ્પેશ ઠાકોરનું ધારાસભ્યપદ રદ કરવાના પ્રકરણમાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કોંગ્રેસને નોટિસ પાઠવી છે. એટલું જ નહીં , કોંગ્રેસની અરજીને ખામીયુક્ત ગણાવી ખૂટતા દસ્તાવેજોની પૂર્તતા માટે ૧૫ દિવસનો સમય આપ્યો છે. ટૂંકમાં, લોકસભાના પરિણામ સુધી આખીય વાત માળિયે ચડી ગઇ છે.
બુધવારે કોંગ્રેસના પ્રતિનીધીમંડળે વિધાનસભા અધ્યક્ષને મળીને અલ્પેશ ઠાકોરનુ ધારાસભ્યપદ રદ કરવા માંગણી કરી હતી. આજે જયારે અરજીનુ અવલોકન કરાયુ ત્યારે તેમાં ઘણી ખામીઓ હોવાનુ જણાઇ આવ્યુ હતું. અધ્યક્ષે અરજીમાં સુધારો જ નહીં, દસ્તાવેજોની પૂર્તતા કરવા કોંગ્રેસને સૂચવ્યુ છે.
વિધાનસભાના ઇન્ચાર્જ નાયબ સચિવે કોંગ્રેસપક્ષના દંડક અશ્વિન કોટવાલને નોટિસ પાઠવી છે જેમાં કોંગ્રેસે કરેલી અરજીમાં કઇ ખામી છે તે જણાવાયુ હતું . કોંગ્રેેસે જે અરજી કરી છે જેમાં પાના નંબર ૩ પર સહી નથી. એફિડેવિટ કર્યાની તારીખ લખાયેલી નથી .જે દસ્તાવેજો રજૂ કરાયાં છે તેના પર અરજદારની સહી નથી. ભારતીય પુરાવા અધિનિયમ-૧૮૭૨ કલમ-૬૫(બી)નુ પ્રમાણપત્ર રજૂ કરાયુ નથી. અલ્પેશ ઠાકોરના રાજીનામાની વિગતો ય અધૂરી છે. આ બધીય બાબતોની ૧૫ દિવસમાં પૂર્તતા કરવા કોંગ્રેસના દંડકને જણાવાયુ છે.
કોંગ્રેસ ખૂટતા પુરાવા રજૂ કરશે ત્યારબાદ વિધાનસભા અધ્યક્ષ અરજી પર સુનાવણી કરવી કે અરજીને રદ કરવી તે નિર્ણય કરશે . આ નિર્ણય લેવા અધ્યક્ષ પાસે ૩૦ દિવસનો સમય હોય છે. જો અરજીનો સ્વિકાર થશે તો બંન્ને પક્ષોને સાંભળીને અધ્યક્ષ આખરી નિર્ણય લેશે. આમ, કોંગ્રેસની અરજીમાં વાંધાવચકા કાઢી હાલ પુરતી આ વાતને ટલ્લે ચડાવી દેવાઇ છે.
કોંગ્રેસની અરજીને ખામીયુક્ત ગણાવી દસ્તાવેજોની પૂર્તતા કરવા અધ્યક્ષે આદેશ કર્યો છે ત્યારે કોંગ્રેસ પક્ષના દંડક અશ્વિન કોટવાલે એવી પ્રતિક્રિયા આપી કે, આ મામલે લિગલટીમ સાથે શુક્રવારે ચર્ચા કરવામાં આવશે ત્યારબાદ અરજીમાં સુધારો કરી દસ્તાવેજોની પૂર્તતા કરવામાં આવશે. તેમણે કહ્યું કે, જો અધ્યક્ષ તરફથી ન્યાય નહી મળે તો કોંગ્રેસ ટૂંક જ સમયમાં હાઇકોર્ટના દ્વાર ખખડાવશે.