કોરોના વાયરસને લઈ હાલ સમગ્ર દેશ ક્લોઝ ડાઉન છે. અમદાવાદમાં પણ સંપુર્ણ લોકડાઉન જોવા મળી રહ્યું છે. હંમેશા ટ્રાફિકથી ધમધમતાં શહેરનાં માર્ગો પર સન્નાટો છવાયેલો છે. તેવામાં અમદાવાદમાં શાકભાજી લેવા માટે લોકોની ભીડ જામે છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવતર પ્રયોગ હાથ ધરાયો છે. ક્લોઝડાઉનના સમયમાં હવે અમદાવાદ કોર્પોરેશન ઘરે બેઠાં શાકભાજી પહોંચાડશે. એટલું જ નહીં અમદાવાદમાં મોલ દ્વારા પણ હોમ ડિલિવરી કરીને તમામ જરૂરિયાત વસ્તુઓ પહોંચાડવામા આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘરે બેઠા શાકભાજી મેળવવા માટે તમારે એક ફોર્મ ભરવું પડશે. પ્રત્યેક સોસાયટી વતી એક વ્યક્તિ દ્ગારા ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ ભરી AMCના નંબર 9408753064 પર કોલ કરીને મોકલવાનું રહેશે.સાથે જ ફોર્મ ભર્યા બાદ જવાબદાર વ્યક્તિએ AMCના કર્મી સાથે જવાનું રહેશે. નક્કી કરેલા શાકમાર્કેટ પરથી શાક લઈને આવવાનું રહેશે. સોસાયટીનાં વ્યક્તિએ જ તમામ રોકડ વ્યવહાર કરવાનો રહેશે. વાહનમાં શાકભાજી ચઢાવા અને ઉતારવાનું કામ AMCના કર્મી કરશે. સમગ્ર અમદાવાદ શહેરમાં આ યોજના લાગુ પડશે.
આ અંગે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ એક ટ્વિટ કર્યું છે. જેમા તેમણે કહ્યું છે કે, રિલાયન્સ, બિગ બજાર જેવાં સુપરમાર્કેટ સાથે ચર્ચા કરી હતી. મીટિંગ ખુબ જ હકારાત્મક રહી છે. આ તમામ સુપરમાર્કેટ આવતીકાલથી મોટાપાયે જીવન જરૂરિયાત વસ્તુઓની હોમ ડિલિવરી કરવા માટે તૈયાર થયા છે.
અમદાવાદ સાથે રાજકોટમાં પણ આવી પહેલ કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર, રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓની મળેલી બેઠકમાં હલ કરાઈ છે. રાજકોટ શહેરના સુપર માર્કેટ, ડી–માર્ટ, રિલાયન્સ, બિગબજાર સહિતના સુપર માર્કેટ સાથે ઝોમેટો અને સ્વિગી સાથે ટાઇઅપ કરાવાયું છે. જેથી લોકો ફોન કરી કરિયાણું મગાવી શકે છે. આ માટે ઓછામાં ઓછો રૂ.1000નો ઓર્ડર હશે તો ફ્રી હોમ ડિલિવરી માલ મળશે. તેનાથી ઓછો ઓર્ડર હશે તો રૂ.25 ચાર્જ ચૂકવવો પડશે.