બુલેટ ટ્રેન પ્રોજેક્ટના જમીન સંપાદન વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન કરાઈ
, શુક્રવાર, 22 જૂન 2018 (11:31 IST)
મુંબઈ-અમદાવાદને જોડતા મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે થઈ રહેલા જમીન સંપાદન વિરૃદ્ધ ગુજરાત હાઈકોર્ટમાં પીટિશન કરવામાં આવી છે. જમીન સંપાદન માટે ખેડૂતોને મળેલા નોટિફિકેશન અને ખેડૂતોને મળવાપાત્ર વળતર અંગેના વિવિધ મુદ્દાઓ પીટિશનમાં રજૂ કરવામાં આવ્યા હતા. હાઈકોર્ટે આ મુદ્દે સરકારને ૨૫મી જૂનના રોજ જવાબ રજૂ કરવાનો નિર્દેશ કર્યો છે. સુરત સહિતના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે જમીન સંપાદનના કાયદા પ્રમાણે જ્યારે એકથી વધુ રાજ્યમાં જમીન સંપાદિત થતી હોય ત્યારે રાજ્ય સરકારો એ નહીં પરંતુ કેન્દ્ર સરકારે જમીન સંપાદન માટેના નોટિફિકેશન મોકલવાના હોય છે. જ્યારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના જમીન સંપાદનના તમામ નોટિફિકેશન ગુજરાત અને મહારાષ્ટ્ર સરકારે મોકલ્યા છે. તેથી આ તમામ નોટિફિકેશન રદ્દ થવા જોઈએ. ખેડૂતોને જમીન સંપાદનનું વળતર મળી રહે તે માટે આ કાયદામાં આવેલા નવા ફેરફાર મુજબ ખેડૂતાની જમીનનું મૂલ્યાંકન મહત્તમ બજારકિંમત પ્રમાણે થવું જોઈએ અને તેનાથી બેથી ચાર ગણી કિમતની ચૂકવણી થવી જોઈએ. જેના માટે આ જમીનની જંત્રીને રિવાઈઝ અને અપગ્રેડ કરવાની જરૃર છે, પરંતુ સરકારે વર્ષ ૨૦૧૧ની જંત્રી પ્રમાણે આ જમીનોનું મૂલ્યાંકન કર્યુ છે. જેના કારણે ખેડૂતોનેે મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
આગળનો લેખ