Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઉત્તર ગુજરાત અને કચ્છ બાદ હવે સૌરાષ્ટ્રમાં પાણીની વિકટ સ્થિતિ, રાજ્યમાં પાણીનો 31.87 ટકા જેટલો જથ્થો બચ્યો

water problem
, સોમવાર, 23 મે 2022 (12:24 IST)
બનાસકાંઠા જિલ્લામાં પશુઓના ઘાસચારાની તંગી સર્જાઈ રાજ્યના અન્ય ઝોનની સરખામણીએ દક્ષિણ ગુજરાતની સ્થિતિ સારી છે
 
ગુજરાતમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થઈ ગયો છે. કાળઝાળ ગરમીથી હવે થોડા દિવસોમાં રાહત મળશે તેવું હવામાન વિભાગ દ્વારા પણ કહેવાયું છે. બીજી તરફ સૌથી મોટી ચિંતાનો વિષય એ છે કે ઉનાળામાં ગરમીનો પારો 47 ડિગ્રી જેટલો થતાં પાણીનો જથ્થો ખુટી પડ્યો છે. ઉત્તર ગુજરાત, કચ્છ અને હવે સૌરાષ્ટ્રમાં પાણીની વિકટ સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના જળાશયોમાં હવે માંડ 31.87 ટકા જેટલો પાણીનો જથ્થો છે. કચ્છ સહિતના જિલ્લાઓમાં છેવાડાના 50થી વધુ ગામોમાં ટેન્કર મારફતે પાણી આપવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં તો પશુઓના ઘાસચારાની તંગી સર્જાઈ છે. 
 
બનાસકાંઠામાં પાણીની સ્થિતિ સૌથી વધુ વિકટ
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં પાણીની સ્થિતિ સૌથી વધુ વિકટ છે. જળાશયો  પાણીનો જથ્થો ખાલી થતાં બંજર જમીન સમાન બન્યાં છે. બનાસકાંઠાના જળાશયોમાં હાલ માંડ 4.77 ટકા પાણી બચ્યું છે. અરવલ્લીમાં 6.12 ટકા, સાબરકાંઠામાં 3.59 ટકા જ્યારે મહેસાણા જિલ્લામાં 10.41 ટકા જેટલો પાણીનો જથ્થો છે. જ્યારે દાહોદમાં 21.35 ટકા, પંચમહાલમાં 27 ટકા, છોટાઉદેપુરમાં 37 ટકા જેટલું પાણી બચ્યું છે. 
 
કચ્છમાં માંડ 9.21 ટકા જેટલું પાણી બચ્યું
દક્ષિણ ગુજરાતમાં તો ગત ચોમાસામાં સારો વરસાદ થયો હતો. જેના કારણે ત્યાંના જળાશયોમાં સારો એવો પાણીનો જથ્થો હતો. રાજ્યના અન્ય ઝોનની સરખામણીએ અહીં સ્થિતિ સારી છે પરંતુ સુરતમાં 14.75 ટકા અને નવસારીમાં પણ 14.75 ટકા પાણીનો સંગ્રહ છે. નર્મદા જિલ્લાની વાત કરીએ તો  57.45 ટકા છે. કચ્છમાં માંડ 9.21 ટકા જેટલું પાણી બચ્યું છે. સૌરાષ્ટ્ર ઝોનમાં દેવભૂમિ દ્વારકામાં માંડ 2.64 ટકા, બોટાદમાં 5.59 ટકા, જામનગરમાં 18 ટકા, જૂનાગઢમાં 20 ટકા, પોરબંદરમાં 20 ટકા અને સુરેન્દ્રનગરમાં 19.81 ટકા જેટલો પાણીનો જીવંત સંગ્રહ છે. 
 
આગામી 4 દિવસ ભારે પવન સાથે વરસાદની શક્યતા
રાજસ્થાનમાં ચોમાસુ ખેંચી લાવતી થર્મલ લો સિસ્ટમ રચાઈ છે, જેની અસરથી રવિવારે બપોર પછી વાતાવરણમાં પલટો આવ્યો છે. થર્મલ લોની અસરથી આગામી ચાર દિવસ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં 20થી 25 કિલોમીટરની ગતિના પવન ફૂંકાવાની સાથે ભેજ વધતાં વરસાદી છાંટાથી લઈ ઝાપટાંની વકી હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે. જોકે રવિવારે રાજ્યમાં 42.1 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું હતું. હવામાન વિભાગના આંકડા મુજબ, રવિવારે અમદાવાદમાં સવારથી બપોર સુધી ગરમીનું જોર યથાવત્ રહ્યા બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો તેમ છતાં અમદાવાદમાં મહત્તમ તાપમાન 42.1, લઘુતમ તાપમાન 27.7 ડિગ્રી નોંધાયું હતું.
 
આ વખતે ગુજરાતમાં સામાન્ય ચોમાસું રહેવાની શક્યતા
આ વખતે ગુજરાતમાં સામાન્ય ચોમાસું રહે એમ મનાઇ રહ્યું છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થા સ્કાયમેટ પ્રમાણે, ગુજરાતમાં હજુ મે મહિનાના અંત સુધી કાળઝાળ ગરમીનું પ્રમાણ યથાવત્ રહેશે, પરંતુ એમાં સાધારણ વધારો-ઘટાડો નોંધાતો જોવા મળશે. કેરળમાં 26 મેથી ચોમાસાનું આગમન થઇ શકે છે. આ સ્થિતિમાં દક્ષિણ ગુજરાતમાં 10થી 15 જૂન વચ્ચે અને 15થી 20 જૂન વચ્ચે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઇ શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Inflation દેશની જનતાને મોંઘવારીથી મળશે વધુ રાહત