Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજ્યની યુનિવર્સિટીઓને વૈશ્વિક દરજ્જાની બનાવવા ચાર વર્ષનો રોડ મેપ તૈયાર કરાશે -શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી

રાજ્યની યુનિવર્સિટીઓને વૈશ્વિક દરજ્જાની બનાવવા ચાર વર્ષનો રોડ મેપ તૈયાર કરાશે -શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી
, મંગળવાર, 14 ડિસેમ્બર 2021 (10:36 IST)
યુનિવર્સિટી કક્ષાએ ઇન્ડસ્ટ્રીઝ લિંકેજ એન્ડ પ્લેસમેન્ટ સેન્ટર અને હાયર એજ્યુકેશન એન્ડ ટેક્નોલોજી સેન્ટર ઉભા કરવામાં આવશે
 
શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની આગવી દીર્ઘદ્રષ્ટિથી તૈયાર થયેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અનુરૂપ રાજ્યના વિશ્વવિદ્યાલયોને વૈશ્વિક કક્ષાએ ગુણવત્તાયુક્ત બનાવવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં યોજાઇ રહેલી રાજ્યના કુલપતિઓની બે દિવસીય સંગોષ્ઠિને સંબોધન કરતા તેમણે કહ્યું કે, શિક્ષણની સાથે છાત્રોમાં ચારિત્ર્ય નિર્માણ અને ઉમદા નાગરિક બનવાના ગુણ સાથે કૌશલ્યવાન બને તેવા પ્રયાસો રાજ્ય સરકાર કરી રહી છે.
 
ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવા માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટી, નર્મદા ખાતે બે દિવસની સંગોષ્ઠિનો શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજ્ય મંત્રી કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો. આ બે દિવસીય આ સંગોષ્ઠિમાં રાજ્યની તમામ યુનિવર્સિટીના કુલપતિ, રજિસ્ટ્રાર અને IQAC કો-ઓર્ડિનેટર ભાગ લીધો હતો.
 
જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, ગુજરાત શિક્ષણ ક્ષેત્રે સર્વગ્રાહી અને સર્વસમાવેશક પ્રયાસોથી આગળ વધી રહ્યું છે. આપણે છેલ્લા સમયગાળા દરમિયાન જોયું છે કે રાજ્યની યુનિવર્સિટીઓના રેન્કિંગમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. રાજ્ય સરકારે શિક્ષણને ગુણવત્તાયુક્ત બનાવવા માટે શ્રેષ્ઠત્તમ પ્રયાસો કર્યા છે. હવે, શિક્ષણક્ષેત્રે પણ ગુજરાત ગ્લોબલ લિડર બને તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
 
ગુજરાતની યુનિવર્સિટીઓ પાસે જોઇતું હોય એવું તમામ પ્રકારનું ભૌતિક સંસાધન ઉપલબ્ધ છે. ત્યારે, આવનાર સમયમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે આંતર માળખાકીય સુવિધાઓને વધુ બહેતર બનાવી ગુજરાતની યુનિવર્સિટીઓ ગ્લોબલ રેન્કિંગ હાંસલ કરે તે માટે આગામી ચાર વર્ષ માટેનો રોડ મેપ તૈયાર કરાશે. તેમણે જણાવ્યું કે, યુનિવર્સિટીઓમાં ડેટા એનાલિસીસ સંસાધનો, ડેટા કલેક્શન અને નવા સંશોધન માટે હાયર એજ્યુકેશન એન્ડ ટેક્નોલોજી સેન્ટર ઉભા કરવામાં આવશે. 
 
આ ઉપરાંત યુનિવર્સિટીમાંથી જ વિદ્યાર્થીઓને નોકરીની તકો મળી રહે તે માટે ઇન્ડસ્ટ્રીઝ લિંકેજ એન્ડ પ્લેસમેન્ટ સેન્ટર બનાવી સ્થાનિક કક્ષાએ યુવાનોને રોજગારી મળી રહે તે માટે પ્લેટફોર્મ પૂરૂ પાડવામાં આવશે. સ્થાનિક એકમોને તેમને જરૂરિયાત અનુસાર કૌશલ્યવાન માનવ સંપદા મળી રહેશે. જેથી વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના સ્વપ્નમાં યુનિવર્સિટીઓ પણ કદમથી કદમ મિલાવશે.
 
તેમણે ઉમેર્યું કે, સાંપ્રત સમયમાં વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની રેંક જોઇને પ્રવેશ લેતા થયા છે. ત્યારે, વિદ્યાર્થીઓમાં રહેલી ક્ષમતાને આપણે એવી રીતે બહાર લાવીએ કે વિશ્વભરના લોકો પૂછે કે આ છાત્ર કઇ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે ? સંશોધન અને નવી ટેક્નોલોજીના આવિષ્કાર થાય એવા શૈક્ષણિક વાતાવરણનું સર્જન કરવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે. 
 
આ માટે કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિને અનુરૂપ કામ કરવાથી યુનિવર્સિટીઓ પોતાનો નિર્ધારિત લક્ષ્યાંક પદ્ધતિસરના પગલાંઓ સાથે હાંસલ કરે એ જરૂરી હોવાનું જીતુભાઇ વાઘાણીએ ભારપૂર્વક જણાવ્યું હતું. આ માટે જ્ઞાન અને સમજના આદાનપ્રદાન સાથે ગુજરાતની યુનિવર્સિટીઓના ગ્લોબલ રેંકિંગમાં વધારો થશે, તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
 
રાજ્ય મંત્રી કુબેરભાઇ ડિડોરે જણાવ્યું કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સમાનતા અને સુલભતાના પાયા પર આધારિત છે. ગુજરાતની યુનિવર્સિટીઓ વૈશ્વિક કક્ષાની બને તે માટે રાજ્યના વિશ્વ વિદ્યાલયો અને મહાવિદ્યાલયોમાં જીએસઆઇઆરફએફની શરૂઆત કરવામાં આવી છે. જેના વિવિધ માપદંડો દ્વારા યુનિવર્સિટીઓમાં સ્પર્ધાત્મક વાતાવરણ ઉભું થયું છે. તેમણે ઉમેર્યું કે, ગુજરાતના વિકાસમાં શિક્ષણનું મહત્વનું પ્રદાન રહ્યું છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત શિક્ષણ ક્ષેત્રે નવા સિમાચિહ્નો સર કરે તે માટે શિક્ષણ વિભાગ પ્રતિબદ્ધ છે.
 
શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી એસ.જે હૈદર જણાવ્યું છે કે, ભારતીય શિક્ષણ પ્રણાલી એ ૮૦૦ યુનિવર્સિટીઓ, ૩૯,૦૦૦ કોલેજ અને ૨૦ મિલિયનથી વધુ વિદ્યાર્થીઓની ક્ષમતા સાથેની વિશ્વની બીજી સૌથી મોટી ઉચ્ચ શિક્ષણ પ્રણાલિ છે. વળી, ભારતની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ એવા અભ્યાસક્રમો-ડિગ્રીઓ ઓફર કરે છે જે ગુણવત્તાની દ્રષ્ટીએ વિશ્વ બજારમાં સ્પર્ધાત્મક છે, ત્યારે આ સેમિનાર વૈશ્વિક બજારમાં ભારતીય શિક્ષણ પ્રણાલીને વધુ સ્પર્ધાત્મક બનાવશે.
 
તેમણે યુનિવર્સિટી કક્ષાએ કાર્યશૈલીની પદ્ધતિ બદલવા પર ભાર મૂકતા કહ્યું કે, આપણા વિશ્વ વિદ્યાલયો પ્રાચીન કાળથી જ વિશ્વભરમાં પ્રસિદ્ધ હતા. નાલંદા અને તક્ષશીલા જેવી વિશ્વ પ્રસિદ્ધ યુનિવર્સિટીઓનો વારસો આપણને મળ્યો છે. ભારતીય પ્રાચીન જ્ઞાન પદ્ધતિઓ આજે પણ પ્રસ્તુત છે. આપણી પાસે વિશાળ અને વિપુલ ક્ષમતાઓ છે ત્યારે, માઇન્ડસેટ બદલી ગુણાત્મક પરિવર્તન લાવવાની જરૂર છે.નેશનલ બોર્ડ ઓફ એક્રેડકિટેશનના સભ્ય સચિવ ડો. એ.કે.નાસાએ નેશનલ રેન્કિંગ ફ્રેમવર્ક અંગે (NIRF) વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
 
ટેક્નીકલ સેશનમાં ચંદીગઢ યુનિવર્સિટીના સતનામસિંઘ સંધુ અને ઉપપ્રમુખ  ડો. હિમાની સુદ અને રિસર્ચ ડિન ડો.સંજીત સિંઘે ગુજરાતની યુનિવર્સિટીઓને વિશ્વ કક્ષાની બનાવવા અંગે વિશદ ભૂમિકા આપી હતી.
 
આ સંગોષ્ઠિમાં ક્યુ.એસ. ગ્લોબલ રેન્કિંગ સેશનમાં મધ્ય પૂર્વ આફ્રિકા અને દક્ષિણ એશિયા અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ - ૨૦૨૦ ના વિભાગીય નિયામક ડો.અશ્વિન ફર્નાડીઝે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સંગોષ્ઠિમાં રાજ્યમાં આંતર રાષ્ટ્રીય કક્ષાની યુનિવર્સિટીઓની રચનાની સંભાવના અને વર્તમાન યુનિવર્સિટીઓને વૈશ્વિક કક્ષા પર લઈ જવાની સંભાવનાઓ અંગે ચર્ચા-વિચારણા થઇ હતી. સેમિનારમાં QS Ranking, NIRF Ranking ના આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભૂકંપના આંચકાથી ધ્રૂજ્યું ઈન્ડોનેશિયા, સુનામીની ચેતવણી બાદ લોકોમાં ગભરાટ