સુરતમાં 222 તોલા સોનાની શાહીથી લખાયેલી 530 પાનાંની રામાયણ બેંકના લોકરમાં રાખે છે
, બુધવાર, 17 એપ્રિલ 2024 (11:38 IST)
સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં રહેતા પ્રભુ શ્રીરામના ભક્તના ઘરે સોનું, હીરા, પન્ના અને માણેક જડેલો દુર્લભ રામાયણ ગ્રંથ છે. 530 પાનાંની આ રામાયણમાં 222 તોલા સોનાની શાહીથી રામાયણની ચોપાઈ લખાઈ છે. તેમાં 10 કિલો ચાંદી, 4000 હીરાની સાથે માણેક અને પન્ના જેવાં રત્નોનો પણ પ્રયોગ કરવામાં આવ્યો છે. તેનું કવર 5-5 કિલો ચાંદીમાંથી બનાવાયું છે. દર રામનવમીએ ભક્તોને દર્શન કરાવાય છે. બાકીના દિવસોમાં બૅન્કના લૉકરમાં રાખવામાં આવે છે. 43 વર્ષ પહેલાં આ ગ્રંથ લખાયો હતો.
સુવર્ણ રામાયણ અંગે રાજેશભાઈ રમેશભાઈ ભક્તાએ જણાવ્યું હતું કે 1981માં તેમના દાદા અને પ્રભુ શ્રીરામના પરમ ભક્ત રામબાઈ ગોકર્ણભાઈ ભક્તાએ લખી હતી. રામભાઈ વિશેષ પુષ્ય નક્ષત્રમાં ગ્રંથ લખ્યો હતો. રામાયણ લખવામાં કુલ 9 મહિના અને 9 કલાકનો સમય થયો હતો. આ લખવામાં 12 લોકોએ સહકાર આપ્યો હતો. ચોપાઈ થકી 530 પાનાંમાં ભગવાન રામનું જીવનચરિત્ર દર્શાવાયું છે. આ રામાયણમાં 5 કરોડ વાર શ્રીરામ નામ લખવામાં આવ્યું છે. સાથે જ અક્ષરોને ચમકાવવા માટે હીરાનો પ્રયોગ પણ કરાયો છે. વાસ્તવમાં ભગવાન શ્રીરામનો જીવનકાળ સુવર્ણકાળ જેવો હોવાથી રામભાઈએ સોનાની શાહીનો ઉપયોગ કર્યો હતો. રામનવમીએ આ સમયે ભક્તો દર્શન કરી શકે છે : રામનવમીએ ભેસ્તાનના લુહાર ફળિયા શિવમંદિર પાસે રામકુંજ નિવાસસ્થાને સવારે 8થી સાંજે 7 વાગ્યા સુધી ભક્તો સુવર્ણ રામાયણનાં દર્શન કરી શકશે. રામભાઈએ રામાયણ લખવા માટે જર્મનીથી કાગળ મગાવ્યા હતા. જર્મનીના આ કાગળની વિશેષતા એ હતી કે તે સફેદ હોવા છતાં હાથ અડાડવાથી ડાઘ લાગતા નથી. પાણીથી ધોવા છતાં પાનાંને કોઈ અસર થતી નથી. વર્ષમાં એક વાર દર્શન માટે રામાયણને લૉકરમાંથી બહાર લવાય છે.
આગળનો લેખ