Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

૧૩ મહિનામાં સિવિલમાં ૭૨૦થી વધુ હેલ્થકેર વર્કર્સ કોરોનાથી સંક્રમિત થઇ પુન: ફરજ પર જોડાયા

૧૩ મહિનામાં સિવિલમાં ૭૨૦થી વધુ હેલ્થકેર વર્કર્સ કોરોનાથી સંક્રમિત થઇ પુન: ફરજ પર જોડાયા
, રવિવાર, 9 મે 2021 (09:04 IST)
છેલ્લા ૧૩ મહિના એટલે કે ૪૦૦ દિવસથી પણ વધુ સમયથી કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા કરતા સરકારી હોસ્પિટલ્સના સિનિયર તબીબોથી લઇ રેસિડેન્ટ તબીબો, ઇન્ટર્ન તબીબો સહિતના ૭૨૦થી વધુ હેલ્થકેર વર્કર કોરોનાથી સંક્રમિત થયા છે. પ્રેરણાદાયક વાત એ છે કે કોરોનાથી સંક્રમિત થયા બાદ સાજા થઇને આ સેવાવીરોએ ઘરે ગભરાઈને બેસવાના બદલે દર્દીઓની સેવા માટે પુન:ફરજ પર હાજર થઇને કર્તવ્યનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.
 
અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ કોરોના મહામારીમાં કર્તવ્યનિષ્ઠાનું દરેક તબક્કે ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૯મી માર્ચ ૨૦૨૧ના રોજ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવી હતી. સમગ્ર ભારતભરમાં સૌથી મોટી ગણી શકાય તેવી અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝિગ્નેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલને કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવામાં ૭મી એપ્રિલે કાર્યરત કરાવવામાં આવી હતી.  
webdunia
છેલ્લા ૧૩ મહિના એટલે કે ૪૦૦ દિવસથી પણ વધુ સમયથી શ્વાસ ગુંગળાઈ જાય તેવી પી.પી.ઇ. કિટમાં સજ્જ થઇને સિવિલના કોરોના યોદ્ધાઓ કલાકો સુધી દર્દીઓ માટે જ કામગીરી કરી રહ્યાં છે. આ પૈકીના મોટાભાગના લોકોનો ઘર-પરિવાર છે, તેમછતાં અત્યારે ફરજનો સાદ જ તેમના માટે સર્વોચ્ચ મહત્વ ધરાવે છે. 
 
સિવિલના ઘણા કોરોના યોદ્ધાઓ એવા છે કે જેઓએ દિવસ-રાત જોયા વિના, પોતાના જીવની પરવા કર્યા વિના, કોઇ સામાજિક – ધાર્મિક પ્રસંગમાં પોતાની હાજરી ટાળીને, તહેવાર-ઉત્સવની ઉજવણીનું બલિદાન કરીને ફક્ત દર્દીનારાયણની સેવાને જ પ્રાથમિકતા આપી છે. આ તમામ હેલ્થકેર વર્કર્સે સ્વ ને ભૂલીને સમષ્ટિની ભાવના અપનાવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીનારાયણની સેવામાં પોતાને સમર્પિત કરી દીધા. આ તમામ હેલ્થકેર વર્કર્સના બલિદાન અને સેવા ભાવને ક્યારેય ભૂલી શકાય તેમ નથી. 
 
કહેવાય છે કે સારા કામની હંમેશા કોઇ ને કોઇ સ્તરે નોંધ લેવાય જ છે. કોરોના ડેઝિગ્નેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલમાંથી સારવાર મેળવીને સાજા થયેલા દર્દીઓએ પણ તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ પર આશીર્વચન વરસાવી રહ્યાં છે. દર્દીઓ તમામ હેલ્થકેર વર્કર્સને શુભેચ્છાઓ આપીને સતત તેમનો જુસ્સો વધારી રહ્યાં છે. 
 
ખાસ નોંધનીય છે કે કોરોનાથી સંક્રમિત થયા બાદ પણ સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલના તમામ હેલ્થકેર વર્કસ વિચારોથી દર્દીનારાયણની સેવાભાવમાં જ સમર્પિત રહેતા. હોસ્પિટલમા સારવાર દરમિયાન પણ ટેલિફોનિક વાતચીત - ટેલિકાઉન્સેલિંગથી સતત પોતાની ફરજ અદા કરતા રહ્યાં હતાં. કોરોનાથી સંક્રમિત થયા બાદ સારવાર મેળવી રહેલા દર્દીઓને પોતાના અનુભવો જણાવીને પ્રોત્સાહિત કરતા રહ્યાં. એ રીતે સારવારની સાથે સાથે સકારાત્મક ઉર્જાનો સંચાર કરતા રહ્યા અને જેવા કોરોનાના સંક્રમણથી બહાર આવ્યા,  સાજા થયા કે પુન:ફરજ પર વિના વિલંબે તે જ ક્ષણે જોડાઇ પણ ગયા. 
 
સિવિલ હોસ્પિટલના હેલ્થકેર વર્કર્સે ખરા અર્થમાં પોઝિટિવિટીના સુપર સ્પ્રેડર્સ બનીને સમગ્ર હોસ્પિટલમાં સકારાત્મક વાતાવણ સર્જ્યું છે અને હજુ પણ કરી રહ્યા છે. સમર્પણ અને સેવાભાવ સાથે ફરજ અદા કરીને આ મહામારીમાં સિંહફાળો આપી રહ્યા છે. સિવિલ હોસ્પિટલના હેલ્થકેર વર્કર્સના આ જુસ્સા, સેવા ભાવના અને સમર્પણ ભાવને ગુજરાતના આરોગ્ય ક્ષેત્રનો ઇતિહાસ હરહંમેશ યાદ રાખશે તેમાં કોઇ બે મત નથી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ડાયાલિસિસની જરૂરિયાત ધરાવતા કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે “મોબાઇલ ડાયાલિસીસ વાન” સેવા શરૂ કરાઇ