Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આવતીકાલે દરિયાકાંઠાથી 5 કિ.મી. અને ત્યારબાદ 10 કિ.મીના અંતરે વસતા લોકોનું સ્થળાંતર કરાશે

cyclone biparjoy effect
ગાંધીનગરઃ , સોમવાર, 12 જૂન 2023 (18:13 IST)
cyclone biparjoy effect
વાવાઝોડા પ્રભાવિત જિલ્લાઓમાં NDRF-SDRF ની 12-12 ટીમો તહેનાત
દરિયામાંથી માછીમારો સલામત પરત ફર્યા, 24 હજાર બોટ સલામત સ્થળે પાર્ક કરવામાં આવી
 
રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સંભવિત ‘બિપરજોય’ વાવાઝોડાથી કોઇપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. દરિયા કિનારાના કચ્છ, જામનગર ,પોરબંદર, દેવભૂમિ દ્વારકા,જુનાગઢ, ગીર સોમનાથ, મોરબી, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી, પ્રભારી સચિવ, કલેક્ટર તેમજ વહીવટ તંત્ર સાથે વાવાઝોડા સંદર્ભે ગાંધીનગરથી મુખ્ય સચિવ રાજકુમારે જિલ્લા વહીવટી તંત્ર સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બચાવ-રાહત કામગીરીની પરિસ્થિતિનો તાગ મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.    
 
125 કિ.મી.થી વધુની ઝડપે પવન ફૂંકાશે
રાહત કમિશનર પાંડેએ જિલ્લા વહીવટી તંત્રની તૈયારીઓ અંગે વિગતો આપતાં કહ્યું હતું કે ગુજરાતમાં ‘બિપરજોય’ વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાઓમાં તા. 14 અને 15 જૂનના રોજ ભારેથી અતિ ભારે વરસાદ અને અંદાજે 125 કિ.મી.થી વધુની ઝડપે પવન ફૂંકાશે. આવતીકાલે તારીખ 13 જૂનથી પ્રથમ તબક્કામાં દરિયા કિનારાથી 0થી 5 કિ.મી. અને ત્યારબાદ 5થી 10 કિ.મીના અંતરે વસતા લોકોને સલામત સ્થળે ખસેડાશે. વાવાઝોડા બાદ વીજળી પુરવઠો પૂર્વવત કરવા પીજીવીસીએલની ટીમો દ્વારા વીજ પોલ સહિતનો જરૂરી  જથ્થો સબ સ્ટેશનોમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.
 
NDRF-SDRFની 12-12 ટીમો તહેનાત કરાઇ
તેમણે કહ્યું હતું કે, ભારે પવન અને વરસાદથી લોકોને સલામત સ્થળે ખસેડવા વાવાઝોડા પ્રભાવિત જિલ્લાઓમાં NDRF-SDRFની 12-12 ટીમો તહેનાત કરાઇ છે જેમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદરમાં બે-બે, મોરબી, ગિરસોમનાથ, જૂનાગઢ અને રાજકોટમાં એક-એક જ્યારે વડોદરામાં બે અને ગાંધીનગરમાં NDRF ની એક ટીમ અનામત રખાઇ છે. આ જ રીતે SDRFની કુલ 12 ટીમમાંથી કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં બે-બે જ્યારે જૂનાગઢ,મોરબી,પોરબંદર,ગીર સોમનાથ, બનાસકાંઠા અને પાટણમાં એક-એક ટીમ તહેનાત કરાઇ છે.
 
પવન શરૂ થશે તો વાહન વ્યવહાર બંધ કરાશે
દરિયાકિનારાના પ્રભાવિત જિલ્લાઓમાં સરકારી શાળાઓ-કચેરીઓમાં સલામત સ્થળોએ શેલ્ટર હોમ તૈયાર કરવામાં આવ્યા છે તેમાં રહેવા, ખાવા-પીવા તેમજ દવા સહિતની વ્યવસથા કરવામાં આવી છે. આ ઉપરાંત નજીકના સ્થળોએ હેલ્થ સેન્ટર તેમજ સરકારી અને ખાનગી  હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં તબીબી સ્ટાફ તેમજ દવા સહિતનો જરૂરી જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ વિસ્તારમાં આવતી રેલવેના અધિકારીઓ સાથે પણ જિલ્લા વહીવટી તંત્ર સતત સંપર્કમાં છે. નાગરિકોની સલામતી માટે વાવાઝોડા પ્રભાવિત વિસ્તારમાં જ્યારે 60 કિ.મી. પ્રતિ કલાકથી વધુની ઝડપે પવન શરૂ થશે ત્યારે વાહન વ્યવહાર બંધ કરવામાં આવશે. 
 
24 હજાર બોટ સલામત સ્થળે પાર્ક કરવામાં આવી
કચ્છ જિલ્લામાં સંભવિત માંડવીથી જખૌ વચ્ચેનો વિસ્તાર જ્યાં વાવાઝોડુ જમીન સાથે ટકરાશે તેવા કિનારાથી 0થી 5 કિ.મી.માં આવતાં સૌથી વધુ પ્રભાવિત તમામ ગામોના લોકોને સલામત સ્થળે લઇ જવાની કામગીરી આજથી જ શરૂ કરવામાં આવી છે. હવામાન વિભાગની વાવાઝોડા અંગેની આગોતરી જાણ બાદ માછીમારો સલામત રીતે પરત ફર્યા છે જ્યારે દરિયાકિનારે તમામ 24 હજાર બોટ સલામત સ્થળે પાર્ક કરવામાં આવી છે. બચાવ કાર્ય માટે સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને જરૂરી તમામ સહાય તાત્કાલિક પૂરી પાડવા રાજ્ય સરકાર સતત સંપર્કમાં છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વાવાઝોડાના સંકટ પહેલાં જ બે કલાકમાં 44 તાલુકાઓમાં વરસાદ, વેરાવળ અને સુત્રાપાડામાં બે ઈંચ ખાબક્યો