કોરોનાના અત્યંત જોખમી ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વેરિયન્ટમાંથી મ્યુટેટ થયેલા ઓમિક્રોન વાઈરસે તો ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે જ. જ્યારે હવે ઓમિક્રોનના પેરન્ટ લિનિયેજ અને સબ લિનિયેજ વેરિયન્ટની પણ ગુજરાતમાં એન્ટ્રી થઈ ગઈ છે.
ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર (GBRC) ખાતે છેલ્લા 23 દિવસમાં કુલ 119 સેમ્પલના જીનોમ્સની તપાસ થઈ હતી જેમાં સૌથી વધુ 54 ઓમિક્રોન (BA.1) જોવા મળ્યા હતા. GBRC લેબમાં જાન્યુઆરીમાં જીનોમ્સ માટે આવેલા કુલ સેમ્પલમાં માત્ર ચાર ડેલ્ટા (B.1.617.2) જોવા મળ્યા હતાં જ્યારે 95 કેસમાં ઓમિક્રોન સહિત તેના પેરન્ટ લિનિયેજ અને સબ લિનિયેજ વેરિયન્ટ જોવા મળ્યા હતાં. ઓમિક્રોન સબ લિનિયેજ વેરિયન્ટ BA.2ના 38 અને પેરન્ટ લિનિયેજ વેરિયન્ટ B.1.1.529ના ત્રણ કેસ સામે આવ્યા હતા. આમ ઓમિક્રોનના નવા વેરિયન્ટના 41 પરિણામો સામે આવ્યા હતા.
ઓમિક્રોન વાયરસ માટે વિશ્વ આખાના વૈજ્ઞાનિકો અને ડૉક્ટરોએ કહ્યું છે કે, આ વાયરસ ડેલ્ટા અને ડેલ્ટા પ્લસની તુલનામાં ઓછો જોખમી છે, પરંતુ તેનો ફેલાવો ઝડપથી થાય છે. જોકે હવે લોકોમાં ઓમિક્રોનનો સબ લિનિયેજ વેરિયન્ટ પણ જોવા મળી રહ્યો છે ત્યારે આ કેટલો જોખમી છે તે બાબતે વિશ્વના સંશોધકો તપાસ કરી રહ્યાં છે. GBRC લેબના સંયુક્ત નિયામક ડૉ. માધવી જોષીએ કહ્યું કે, BA.1ની સરખામણીએ BA.2 લિનિયેજ વેરિયન્ટ ગુજરાત સહિત દેશમાં વધી રહ્યો છે. આ વેરિયન્ટના જોખમ વિશે સંશોધનો ચાલી રહ્યાં છે. અઠવાડિયા બાદ તેના જોખમ વિશેનો ખ્યાલ આવી શકશે. રાજ્યના વધુ એક સંશોધકે કહ્યું છે કે, WHOએ હજૂ BA.2ને વેરિયન્ટ ઓફ કન્સર્ન ડિક્લેર કર્યો નથી. જોકે યુ.કે. હેલ્થ સિક્યુરિટી એજન્સીએ BA.2 વેરિયન્ટ વધુ ઝડપે ફેલાતો હોવાથી તકેદારી રાખવા કહ્યું છે જ્યારે ગુજરાતમાં BA.2ના હજૂ ઘણા ઓછા કેસ જોવા મળ્યા હોવાથી નક્કર સ્ટેટમેન્ટ આપી ના શકાય.