શાસ્ત્રીનગર પેટ્રોલપંપ પાસે આવેલા મુખ્યમંત્રી આવાસ યોજનાના ગેટની બહાર શુક્રવારે રાત્રે ફૂટપાથ પર સુતેલા પરીવાર પર પુરઝડપે આવી રહેલી આઈ10 કારના પૈડા ફરી વળતા 2 વ્યક્તિઓના મોત નિપજ્યાં હતાં. જ્યારે 4 લોકોને ગંભીર ઈજા થતા તેમને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. ઘટનાના સમાચાર મળતા નારણપુરા પોલીસ ઘટના સ્થળ પર પહોચી કારના ચાલક નિરવ શાહની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. નારણપુરા પોલીસની પ્રાથમીક તપાસમાં નિરવ શાહ બહારગામ ગયો હતો. જ્યારે શુક્રવારે મોડી રાતે પરત અમદાવાદ આવ્યો હતો. શુક્રવારે રાતે 1 વાગે નિરવ શાસ્ત્રીનગર પેટ્રોલપંપ પાસેથી આઈ 10 કાર પુરઝડપે ચલાવી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને ઝોંકુ આવી જતા તે કાર પરથી કાબુ ગુમાવી બેઠો હતો. અને કાર મુખ્યમંત્રી આવાસ યોજનાના ગેટની બહાર આવેલા 8 ઝૂંપડા તરફ ફંટાઈ હતી. જેમાં 8માંથી છેલ્લા 2 ઝૂંપડા બહાર સુતેલા પરીવાર પર કારના પૈડા ફરી વળ્યાં બાદ ગાડીનું આગળનું ટાયર ફાટી જતા કાર ઉભી રહી ગઈ હતી. અકસ્માતમાં ઝૂંપડા બહાર સુતેલા શ્રમીક પરીવારના ભગાભાઈ મારવાડી અને તેમની પત્નીનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું હતું.
જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને 108 મારફતે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે કારચાલક આશરે 80 થી વધુની સ્પીડે કાર હંકારતો હતો. જેવા લોકોને અડફેટે લીધા કે તરત જ ડિવાઈડર સાથે ગાડી અથડાતા કારનું ટાયર ફાટી ગયું.પોલીસ અને સ્થાનિકના કહેવા મુજબ કાર ચાલક ને ઊંઘ આવી જતા તેનાથી અકસ્માત સર્જાયો. નીરવ સુરતથી નીકળી તેના ભાઈને નરોડા ઉતારીને ઘરે જતો હતો. કાર ચાલાક રાણીપમાં જવેલર્સનો વેપાર કરે છે અને હાલ તેને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે