દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ચાર કલાકમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે દ્વારાકાના રોડ પર કેડ સમા પાણી ભરાયા છે. વરસાદને પગલે પાણીમાં ફસાયેલા 3 લોકોને હેલિકોપ્ટરના માધ્યમથી સુરક્ષિત રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. ભારે વરસાદને પગલે કલ્યાણપુર તાલુકામાં પાણીમાં ફસાયેલાં 8 નાગરિકોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે. જેમાં કેશવપુરા ગામે 4 અને ટંકારિયા ગામે 4 વ્યક્તિને વહિવટી તંત્ર દ્વારા સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરૂ બચાવી લીધા છે. જ્યારે પાનેલી ગામે પાનેલી ગામે ભારે વરસાદના પગલે ત્રણ ખેડૂત ગામમાંથી વાડીએ પરત ફરતા નદીના પાણીમાં ફસાયા હતા.
ધોધમાર વરસાદ વરસી જતા અનેક ખેતરોનું ધોવાણ થયું
વરસાદના પાણીમાં લોકો ફસાયા હોવાની માહિતી મળતાં જિલ્લા કલેક્ટર અને પોલીસ તંત્ર તેમજ ફાયર વિભાગ દ્વારા એરફોર્સની મદદ લઇ આ ત્રણેય ખેડૂતોનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. છેલ્લા બે દિવસ દરમિયાન જિલ્લામાં દ્વારકા બાદ કલ્યાણપુર તાલુકામાં સૌથી વધુ વરસાદ વરસી રહ્યો છે. આજે વહેલી સવારે ત્રણ મીલીમીટર બાદ સવારના આશરે નવેક વાગ્યાના સમયથી વરસાદે વેગ પકડ્યો હતો અને સાંબેલાધારે વરસાદ વરસતા બપોરે 12 વાગ્યા સુધીમાં 11 ઈંચ પાણી પડી ગયું હતું. તાલુકાના લાંબા, ભોગાત, આસોટા વિગેરે ગામોમાં પણ સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસી જતા અનેક ખેતરોનું ધોવાણ થયું હતું.
દ્વારકા સોમનાથ નેશનલ હાઈવે બંધ થઈ ગયો
ભારે વરસાદના પગલે જિલ્લા પ્રશાસન દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી. અનેક ગ્રામ્ય વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે. ભારે વરસાદના પગલે દ્વારકા-સોમનાથ હાઈવે બંધ થઈ જવા પામ્યો છે. આ માટે કલ્યાણપુર તાલુકામાં ખાસ આવેલી NDRFની ટીમના જવાનોએ મોરચો સંભાળી અને બચાવ રાહત કાર્ય હાથ ધર્યું હતું. કલ્યાણપુર તાલુકાનું રાવલ ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. આ ઉપરાંત ભારે વરસાદના પગલે દ્વારકા સોમનાથ નેશનલ હાઈવે પાણી ભરાઈ જવાના કારણે બંધ થઈ ગયો છે.
સાંસદ પૂનમ માડમે લોકોને અપીલ કરી
આ સમગ્ર મામલે સાંસદ પુનમ માડમએ જણાવ્યું હતું કે, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાગરીકોને, હાલની ભારે વરસાદની સ્થિતિમાં નદી-નાળા-ડેમથી દૂર રહેવા તેમજ પાણી ભરાયા હોય તેવા નીચાણવાળા વિસ્તારના લોકોએ સલામત સ્થળોએ ખસી જવા નમ્ર અપીલ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જામ કલ્યાણપુર પંથકમાં અતિભારે વરસાદથી, પાનેલી, ટંકારીયા, કેશવપુર સહિતના ગામોના લોકોના રેસ્કયુ-રીલીફ માટે તંત્ર સાથે સતત સંકલનમાં રહી NDRF અને Air Forceની મદદ લેવા તાકીદનું આયોજન કરાયું હોઈ લોકો નિશ્ર્ચિંત રહે સાથે ખૂબ જ સાવચેત પણ રહે.