થોડા દિવસો અગાઉ મહીસાગરમાં ગર્ભપાતની ઘટનાનો વીડિયો પ્રકાશમાં આવ્યા હવે પાટણ જિલ્લાના સિદ્ધપુર નજીક એક પ્લાસ્ટિકના ડબ્બામાંથી ભૃણ મળી આવ્યા છે. તાવડીયા રોડ પર 13 જેટલા ભૃણ બરણીમાંથી મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટના અંગે કાકોશી પોલીસ તથા આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવતાં તંત્ર ઘટનાસ્થળે દોડી આવ્યું હતું અને ભૃણનો કબજો લઇ એફએસએલ મોકલી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કાકોશી પોલીસના જણાવ્યા અનુસાર પાણીના વહોળાવાળી જગ્યામાં માનવઅંગોનો મેડિકલ વેસ્ટ પડેલો હોવાની જાણકારી મળતાં આરોગ્ય વિભાગનો મામલો હોઇ તાલુકા હેલ્થ ઓફિસર અને એફએસએલ ટીમને બોલાવી પરીક્ષણ કરાવવા કાર્યવાહી હાથ ધરી છે. તપાસમાં જે જણાઈ આવશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
અલ્પેશજી ઠાકોરે જણાવ્યું હતું કે, સવારે કચરો વીણવા વાળાએ જોતા તેણે અમને જાણ કરી હતી જેથી અમે ઘટનાસ્થળે પહોંચી જોયું તો પ્લાસ્ટિકની બરણી ઓમાં માનવ અવશેષ હોય એવું લાગતાં અમે પોલીસને જાણ કરી હતી.
અલગ- અલગ 13 ડબ્બા મળી આવ્યા છે, જે એફએસએલમાં મોકલી આપવામાં આવશે. તેમાં એક ભ્રૂણ જોઈ શકાય છે, પરંતુ બીજા અંગો શું છે તે સ્પષ્ટ થઈ શકતું નથી. કોઈ ડોક્ટર આવી રીતે ખુલ્લામાં ફેંકે નહીં. હવે આ બરણીઓ ત્યાં કઈ રીતે પહોંચી એ તો પોલીસ તપાસનો વિષય છે.