Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજ્યના ધોરણ-૧૦ એસ.એસ.સી.ના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં મુખ્યમંત્રીનો મહત્વપૂર્ણ નિર્ણય

રાજ્યના ધોરણ-૧૦ એસ.એસ.સી.ના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં મુખ્યમંત્રીનો મહત્વપૂર્ણ નિર્ણય
, ગુરુવાર, 13 મે 2021 (20:07 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ વિશ્વવ્યાપી મહામારી કોરોનાના પ્રવર્તમાન સંક્રમણમાં રાજ્યમાં વિદ્યાર્થીઓને સુરક્ષિત રાખવાના સ્વાસ્થ્ય રક્ષા ભાવ સાથે કોરોનાની આ સ્થિતિમાં રાજ્યના ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-૧૦ એસ.એસ.સી.ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. 
 
મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓના આ વર્ગના રસીકરણની કામગીરી પણ હાલ હાથ ધરવામાં આવી ન હોય. વિદ્યાર્થીઓના વિશાળ આરોગ્ય હિતમાં રાજ્ય સરકારે પરીક્ષા રદ કરવાનો નિર્ણૅય કર્યો છે.
 
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોર કિમિટીની બેઠકમાં લીધેલા આ નિર્ણયની વિગતો આપતા કહ્યું કે, રાજ્યની ૧૨૭૬ સરકારી, ૫૩૨૫ ગ્રાન્ટ ઇન એઇડ, ૪૩૩૧ સેલ્ફ ફાઇનાન્સ અને અન્ય ૪૫ શાળાઓ મળી કુલ ૧૦,૯૭૭ શાળાઓમાં ધોરણ-૧૦ ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ માસ પ્રમોશન આપવામાં આવશે.
 
રાજ્ય સરકારે ગુજરાતમાં ધોરણ-૧૦ અને ધોરણ-૧રની બોર્ડની પરીક્ષાઓ જે તા. ૧૦મી મે થી રપ મી મે સુધી યોજાવાની હતી તે પ્રવર્તમાન કોરોના સંક્રમણની પરિસ્થિતીમાં મોકૂફ રાખવાનો નિર્ણય ગત તા.૧૫મી એપ્રિલે કરેલો છે.
 
રાજ્ય સરકારે પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય ૧પમી એપ્રિલે કર્યો ત્યારે એવું જાહેર કરેલું કે તા.૧પમી મે એ કોરોના સંક્રમણ સ્થિતિનું આકલન કરીને પૂન: સમીક્ષા બાદ પરીક્ષાની નવી તારીખો વિદ્યાર્થીઓને તૈયારી માટે ઓછામાં ઓછા ૧પ દિવસનો સમય આપીને જાહેર કરવામાં આવશે. એટલું જ નહિ, ધોરણ ૧ થી ૯ અને ધોરણ-૧૧માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ વર્ષે કોરોનાની સ્થિતીને અનુલક્ષીને માસ પ્રમોશન આપવાની જાહેરાત પણ અગાઉ રાજ્ય સરકારે  કરેલી છે. 
 
શિક્ષણ મંત્રીએ ઉમેર્યુ કે, રાજ્યમાં છેલ્લા બે અઠવાડિયાથી કોરોના કેસોમાં ઉત્તરોત્તર ઘટાડો અને હોસ્પિટલમાંથી કોરોનામુકત-સાજા થઇ ઘરે પરત ફરવાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. આમ છતાં, દેશવ્યાપી સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં લેતાં રાજ્યના વિદ્યાર્થીઓના ભાવિને કોરોનાથી સુરક્ષિત રાખવા મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકાર કૃતસંકલ્પ છે.
 
હવે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા અને વિચાર-વિમર્શ બાદ ધોરણ-૧૦ એસ.એસ.સી.ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે તેમ ભૂપેંદ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું. રાજ્ય સરકારના આ વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણયના પરિણામે ધોરણ-૧૦ (એસ.એસ.સી.)ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશનનો લાભ મળવાપાત્ર થશે.
 
શિક્ષણ મંત્રીએ જણાવ્યું છે કે, કોર કમિટિમાં મુખ્યમંત્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે ધોરણ-૧૦ (એસ.એસ.સી)ની પરીક્ષામાં બેસનારા રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા કોરોનાના કેસોમાં ઘટાડો થયા બાદ જરૂરી સમીક્ષા કરીને યોજવામાં આવશે. 
 
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, આવા રિપિટર વિદ્યાર્થીઓને અગાઉના વર્ષોમાં રેગ્યુલર (નિયમિત) વિદ્યાર્થી તરીકે ધોરણ-૧૦માં પરીક્ષાની તક આપવામાં આવેલી છે પરંતુ તેઓ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી શક્યા નથી. 
 
કોર કમિટિની આ બેઠકમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, ઊર્જા મંત્રી સૌરભ પટેલ, ગૃહ-રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવો સર્વ પંકજકુમાર, ડૉ. રાજીવકુમાર ગુપ્તા, એમ.કે.દાસ તેમજ આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવી અને વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સ્પુતનિક V : રશિયાની કોરોના રસી ક્યારે ભારતની બજારમાં મળશે, શું કહ્યું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે?