દિલ્હી સરકારે કેન્દ્રની ગાઈડલાઈન્સ મુજબ દુકાનો ખોલવાની મંજૂરી આપતાં દિલ્હીમાં દારૂની ખરીદી માટે લાંબી લાઇનો જોવા મળી હતી. જેના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા. આવો જ નજારો ગુજરાતની લીકર શોપ પણ જોવા મળ્યો હતો. અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના શહેરોમાં આવેલા લીકર ખૂલતાં લીકર પ્રેમીઓ સવારથી લાઇનોમાં લાગી ગયા હતા. ભરઉનાળે ધગગતા તાપમાં રાજ્યની 65 જેટલી લીકર શોપ પર લાંબી-લાંબી લાઇનો જોવા મળી હતી. મોટાભાગની લિકર શોપ દ્વારા ટોકન સિસ્ટમ પાળવામાં આવી હતી અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાયું હતું.
70 દિવસ બાદ લિકર શૉપ્સ ખુલતા પોતાની મનગમતી બ્રાન્ડ લેવા માટે લોકો વહેલી સવારથી પહોંચી ગયા હતા. જો કે પોતાને ગમતી બ્રાન્ડ ના મળતા નિરાશ પરમિટધારકોએ જે મળે તે બ્રાન્ડ્સ લઈને સંતોષ માન્યો હતો. ખાસ કરીને બિયરની ભારે માંગ જોવા મળી હતી. અમુક જગ્યાએ તો બિયરનો સ્ટોક્સ ખાલી થઈ ગયો હતો. લિકર પ્રેમીઓના ધસારાને પગલે સુરતમાં પણ પરમિટધારકોને ટોકન ફાળવાયા હતા.
અમદાવાદની જેમ જ સુરતમાં પણ લિકર શૉપ્સ બહાર પરમીટ ધારકોની લાંબી લાઈનો જોવા મળી હતી. લિકર પ્રેમીઓના ધસારાને પગલે સુરતમાં પણ પરમિટધારકોને ટોકન ફાળવાયા હતા.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં હાલમાં આશરે 65 જેટલી લિકર શોપ છે જેનું 26 જિલ્લા પ્રોહિબિશન ઓફિસ દ્વારા સંચાલન થાય છે. રાજ્યમાં હાલમાં 27000 પરમિટ હોલ્ડાર છે જેમાંથી 17000 અમદાવાદમાં છે. ગુજરાતના ડાયરેકટર ઓફ પ્રોહીબિશન સુનિલ કુમારે જણાવ્યું હતું કે, રાજ્યની લિકર શોપ કેન્દ્ર સરકારના નિયમોને આધીન ખોલવામાં આવી છે. બપોર સુધીમાં પ્રોહિબિશન ખાતાએ સ્ટોક લીધો હતો. રાજ્યમાં પરમીટધારકોની સંખ્યામાં દર વર્ષે સતત વધારો થઈ રહ્યો છે.