મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જાહેર કર્યુ છે કે, માળિયા નજીક રૂ. ૬૦૦ કરોડના ખર્ચે ડી-સેલીનેશન પ્લાન્ટ સ્થાપીને દરિયાના ખારા પાણીને પીવાલાયક પાણીમાં રૂપાંતરિત કરવાનો પ્રયોગ ગુજરાતમાં હાથ ધરાશે. તેમણે ઉમેર્યુ કે ૧૦ કરોડ લીટરની ક્ષમતાના પ્લાન્ટનો પ્રયોગ સફળ થશે તો સૌરાષ્ટ્રને વિશેષ ફાયદો થશે.આરબ દેશોમાં આ પ્લાન્ટ ખુબ સફળ થયા છે. ગુજરાતની આ પહેલ પણ રંગ લાવશે તેવી આશા મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.તેમણે રાજકોટના જેતપૂર ખાતે રૂ. પ૯૭ કરોડના ખર્ચે આકાર પામેલી નાવડા-ઉપલેટા બલ્ક પાઇપલાઇનનું લોકાર્પણ કરતાં આ જાહેરાત કરી હતી. તેમણે જેતપૂર શહેર માટે રૂ. ૩૩ કરોડના ખર્ચે નિર્માણ થનારા સૂએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટનું ખાતમૂર્હત પણ કર્યુ હતું. વિજયભાઇ રૂપાણીએ આગામી સમયમાં ઉપલેટાથી રાણાવાવ સુધીની રૂા. ૧રપ કરોડની પીવાના પાણીની પાઇપલાઇનના કામો પણ રાજ્ય સરકાર ઉપાડશે તેમ જણાવ્યું હતું. નર્મદા નીરના વધામણા કર્યા બાદ જેતપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત વિશાળ જનસભાને સંબોધતા રૂપાણીએ કહ્યું કે, માતા નર્મદાની પરીક્રમા કરવીએ આપણા માટે સૌભાગ્યની વાત છે, પરંતુ અહિતો માં નર્મદા પરીક્રમા કરીને પહોંચ્યા છે અને સૌરાષ્ટ્રમાં માં નર્મદાના નીર થકી પીવાના પાણીનો દુષ્કાળ ભૂતકાળ બન્યો છે, અને સૌની યોજના થકી કૃષિ માટે પણ દુષ્કાળ ભૂતકાળ બનશે. અવારનવાર અનિયમિત વરસાદનો ભોગ બનતા સૌરાષ્ટ્ર માટે નર્મદા યોજનાથી સોનાનો સૂરજ ઉગશે. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતની ધુરા સંભાળી ત્યારથી પાણી, વીજળી, રસ્તા સહિત તમામ માળખાગત બાબતોમાં ગુજરાતને અવલ્લ બનાવવાની કાર્યવાહી શરૂ કરીને આજે ગુજરાત ટોંચના સ્થાને છે. નર્મદાના જળથી સૌરાષ્ટ્રના લોકોને ક્ષારયુક્ત પીવાના પાણીમાંથી છુટકારો મળતા પથરી-કીડનીના રોગમાંથી પણ છુટકારો મળશે. તેમ તેમણે ઉમેર્યુ હતું.