Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એએમટીએસમાં કાયમી કર્મચારી કરતાં પેન્શનરો દોઢ ગણા વધુ

એએમટીએસમાં કાયમી કર્મચારી કરતાં પેન્શનરો દોઢ ગણા વધુ
, બુધવાર, 3 ઑક્ટોબર 2018 (12:34 IST)
પ્રતિ દિન એક કરોડ રૂપિયાની ખોટ કરતી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (એએમટીએસ) લાંબા સમયથી શાસક ભાજપ પક્ષની અણઘડ નીતિના કારણે ખાનગી ઓપરેટરોને હવાલે થઈ ગઈ છે. અમદાવાદ શહેરના રસ્તા પર દોડતી આશરે 700 બસ પૈકી 605 બસ તો ખાનગી ઓપરેટરોની છે. ખાનગી ઓપરેટરોને બસ ચલાવવા દર વર્ષે રૂ. 160 કરોડ જેટલી જંગી રકમ ચૂકવાતી હોઈ આનાથી પણ સંસ્થા માટે આર્થિક રીતે હાનિકારક બની છે. બીજી તરફ આ પ્રકારની ઊલટી ગંગા વહેવાથી આજે સંસ્થામાં કાયમી કર્મચારી કરતાં દોઢગણા પેન્શનરો છે. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં મનપા સંચાલિત એએમટીએસની પોતાની માલિકીની માંડ 95થી 100 બસ હોઈ સંસ્થા દ્વારા હવે પોતાના કાયમી કર્મચારીઓને મનપાના વિવિધ વિભાગોમાં ફાળવાઈ રહ્યા છે. એએમટીએસના કાયમી ડ્રાઈવરો આજે ફાયરબ્રિગેડના અને સેન્ટ્રલ વર્કશોપના વાહન ફેરવે છે તો કાયમી કંડક્ટરોને ઈ-ગવર્નન્સ, એસ્ટેટ, ટેક્સ વગેરે વિભાગોમાં ફાળવાયા છે. અત્યારે તો એટલી હદે સ્થિતિ કથળી છે કે ખુદાબક્ષને ઝબ્બે કરવાની ફ્લાઈંગ સ્કવોડમાં પણ સ્ટાફની કારમી અછત થવાથી વર્કશોપના હેલ્પરને ઉતારુઓની ટિકિટ તપાસવાની કામગીરી સોંપાઈ છે. વર્ષ 2002-03માં સંસ્થાના ચોપડે 5403 કાયમી કર્મચારી અને 2657 પેન્શનર હતા. ત્યાર પછીના વર્ષ 2003-04માં 4250 કાયમી કર્મચારી અને 3140 પેન્શનર હતા. આ સમયગાળામાં કાયમી કર્મચારીની સંખ્યા પેન્શનર કરતાં વધુ હતી, પરંતુ જેમ જેમ એએમટીએસનું ખાનગીકરણ થયું ગયું તેમ તેમ ડ્રાઈવર અને કંડક્ટર જેવા કાયમી કર્મચારી પણ ઘટતા ગયા. તંત્ર દ્વારા કાયમી કર્મચારીઓનો પગાર પોષાતો નથી તેવા બહાનાસર નવી ભરતી સમૂળગી બંધ કરી દેવાઈ અને બીજી તરફ બસનું સ્ટિયરિંગ ખાનગી ઓપરેટરના ડ્રાઈવરોને સોંપાતું ગયું. કરકસરના બહાના હેઠળ 600થી વધુ કર્મચારીને મનપાના જુદા જુદા વિભાગોમાં ફાળવ્યા હોવાની જાહેરાત એએમટીએસના ચાલુ વર્ષના બજેટમાં કરવામાં આવી હતી. ભાજપના શાસકોની દૃષ્ટિહીન નીતિના કારણે ત્યાર પછી પણ મનપાને ફાળવાયેલા સંસ્થાના કર્મચારીઓનો પગાર સંસ્થા જ ચૂકવી રહી છે. તેના કારણે નિયમિત રીતે બસને રૂટ પર મૂકી શકાતી નથી અને સ્ટાફના અભાવે બસ ડેપોમાં જ પડી રહે છે અને દરરોજ સેંકડો ઉતારુઓ રઝળી પડે છે. ગત નાણાકીય વર્ષ 2015-16માં 3080 કર્મચારી સામે 4850 પેન્શનરો હતા તો ગત નાણાકીય વર્ષ 2016-17માં 3000 કર્મચારી સામે પેન્શનરોની સંખ્યા સતત વધતી જવાથી 4900 થઈ હતી. એક અંદાજ પ્રમાણે સંસ્થા દ્વારા દર મહિને રૂ. 8 કરોડ જેટલી માતબર રકમ પેન્શનરોને પેન્શન તરીકે ચૂકવાઈ રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાસાયણિક ખાતરના ભાવ વધારાથી ગુજરાતના ખેડૂતો ઉપર રૂ. 188 કરોડનું ભારણ વધ્યું