રામનવમી વિશેષઃ રામની જીવનદૃષ્ટિ અપનાવવી એ જ તેની સાચી પૂજા
, શનિવાર, 5 એપ્રિલ 2014 (18:21 IST)
મહર્ષિ વાલ્મીકિએ મહાકાવ્ય રામાયણની સૃષ્ટિ સર્જી એમાં રામચંદ્રનું મહત્વ અનોખું છે. જીવનમાં બનતી વિભિન્ન ઘટનાઓ પ્રત્યે જોવાની રામે અનુપમ એવી વિધાયક દૃષ્ટિ કેળવી હતી, પરિણામે રામ પોતે જ પ્રસન્નતાનું મૂર્તિમંત પ્રતીક બની રહ્યા હતા.
વસુંધરાનો વૈભવ ચરણો પર આવી પડવાની આશા કે વનવાસ માટે જવાની આજ્ઞા, બન્નેનું મૂલ્ય રામની દૃષ્ટિએ સરખું હતું. વાલ્મીકિ કહે છે, ‘રાજ્યાભિષેકને માટે બોલાવવામાં આવ્યા અને વનમાં જવાની આજ્ઞા થઈ - આ બે પરસ્પર વિપરીત પરિસ્થિતિઓમાં પણ મને રામના ચહેરા પર સ્વલ્પમાત્ર વિકાર જોવા મળ્યો નહીં.’
રામની આ અનોખી સમ્યક્ દૃષ્ટિએ જ વાલ્મીકિને રામચરિત્ર લખવા પ્રેર્યા.
પોતાનું અમંગલ કરવામાં નિમિત્ત બનનાર પ્રત્યે મંગલ ભાવો રાખનારી રામદૃષ્ટિ અતિ દુર્લભ છે. મંથરાની કાનભંભેરણીના કારણે કૈકૈયીએ દશરથ પાસે વરદાન માગ્યાં; જેના પરિણામે રામને વનવાસ સ્વીકારવો પડ્યો, પરંતુ રામને કૈકેયી પ્રત્યે સ્વલ્પમાત્ર રોષ નથી. વનમાં જતી વખતે તે માતા કૈકેયીને પ્રણામ કરવા જાય છે ત્યારે કહે છે, ‘વનમાં રહીને માત્ર મારી જ કાળજી લેવાની આજ્ઞા તેં મને કરી અને સકલ ભુવનનો ભાર (રાજ્યધુરા) તારા પુત્રના ખભે મૂક્યો. અમારા બન્નેના કાર્યની સુગમતાનો વિચાર કરતાં એમ લાગે છે કે હે મા! તારો મારા તરફ વિશેષ પક્ષપાત છે.’
આપણને કદાચ એમ લાગે કે વનમાં જતી વખતે રામ એવું કહે એ શક્ય છે, કારણ કે વનવાસનાં કષ્ટ હજી વેઠવાનાં બાકી છે; પરંતુ એવું નથી. ૧૪ વર્ષના વનવાસ પછી રામ જ્યારે અયોધ્યામાં પાછા આવે છે ત્યારે પણ મા કૈકેયીને પ્રણામ કરતી વખતના તેમના શબ્દો આપણને તેમની સામે નતમસ્તક બનાવે એવા જ છે. તે કૈકેયીને કહે છે, ‘હે મા! મને વનવાસ આપીને તેં મારા પર બહુ મોટો ઉપકાર કર્યો છે પિતાજીનો સ્નેહ, ભરતનો મહિમા, હનુમાનનું પૌરુષ, સુગ્રીવની મૈત્રી, લક્ષ્મણની ભક્તિ, સીતાનું સત, મારું બાહુબળ અને વેરીઓનો વેરભાવ આ બધું મને જાણવા મળ્યું એ, હે મા! તારાં ચરણોનો જ પ્રસાદ છે. મારા વિરહમાં દશરથ પ્રાણ ત્યજે, ભરત મારી અનુપસ્થિતિમાં પોતાને મળેલું રાજ્ય ઠુકરાવી દે, હનુમાન મારા માટે સાગર કૂદી જાય, સુગ્રીવ જાનની બાજી લગાવી દે, લક્ષ્મણ નિદ્રા ત્યાગીને ખડે પગે ઊભો રહે, વેરના મૂર્તિમંત સ્વરૂપ જેવા રાક્ષસોને હણવામાં મારું બાહુબળ સક્ષમ નીવડે - આ બધી વાતોનું જ્ઞાન, જો હું વનમાં ન ગયો હોત તો મને શી રીતે થાત?’
પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ પ્રસન્ન રહેવાની આ કળા જો આપણે હસ્તગત કરી લઈએ તો આપણું જીવન પણ એક મંગલ કાવ્ય બની રહે. કાંટાની વચ્ચે ખીલતું ગુલાબ આપણને એ જ જીવનસંદેશ આપે છે. આપણી આસપાસ જો કાદવ નિર્માણ થાય તો સમજી ચાલવું કે ભગવાન આપણને કમળ બનાવવા ધારે છે. આવી મંગળ દૃષ્ટિ આપણને સૃષ્ટિના સૌંદર્યનું દર્શન કરાવે છે તેમ જ આપણા માનસિક કલેશને દૂર કરી આપણા જીવનમાં કાવ્ય પ્રગટાવે છે.