મર્યાદા, ત્યાગ અને પ્રેમના પ્રતિક શ્રીરામ
વર્તમાન સંદર્ભોમાં પણ મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામના આદર્શોનો જનમાનસ પર ઉંડો પ્રભાવ છે. ત્રેતાયુગમાં ભગવાન શ્રીરામથી શ્રેષ્ઠ કોઈ દેવતા નથી, તેમનાંથી ઉત્તમ કોઈ વ્રત નથી, કોઈ યોગ નથી, કોઈ ઉત્કૃષ્ટ અનુષ્ઠાન નથી. તેમના મહાન ચરિત્રની ઉચ્ચ વૃત્તિઓ જનમાણસને શાંતિ અને આનંદ આપે છે. સંપૂર્ણ ભારતીય સમાજ દ્વારા એક સમાન આદર્શના રૂપમાં ભગવાન શ્રીરામને ઉત્તરથી લઈને દક્ષિણ સુધી સંપૂર્ણ જનમાણસે સ્વીકારી લીધુ છે. તેમનું તેજસ્વી અને પરાક્રમી સ્વરૂપ ભારતની એકતાનુ પ્રત્યક્ષ ચિત્ર ઉપસ્થિત કરે છે. આદિકવિએ તેમના વિશે લખ્યુ છે કે તેઓ ગામ્ભીર્યમાં ઉદધિના સમાન અને ધૈર્યમાં હિમાલય સમાન છે. રામના ચરિત્રમાં પગ-પગ પર મર્યાદા, ત્યાગ, પ્રેમ અને લોકવ્યવ્હારના દર્શન થાય છે. રામે સાક્ષાત પરમાત્મા હોવા છતા પણ માનવ જાતિને માનવતાનો સંદેશ આપ્યો તેમનુ પવિત્ર ચરિત્ર લોકતંત્રનો પ્રહરી, ઉત્પ્રેરક અને નિર્માતા પણ છે. તેથી તો ભગવાન રામના આદર્શોને જનમાનસ પર આટલો ઉંડો પ્રભાવ છે અને યુગો યુગો સુધી રહેશે.