Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એક નાજુક તાંતણે બંધાયેલો મજબૂત સંબંધ

એક નાજુક તાંતણે બંધાયેલો મજબૂત સંબંધ
N.D
માણસના જીવનમાં આમ તો ધણા સંબંધો છે, જે દરેકના જીવનમાં ખૂબ મહત્વ ધરાવે છે. કોઈ પણ સંબંધ વગર માનવીનું જીવન વૃક્ષ વગરની વેરાન જમીન જેવું છે. વૃક્ષ આપણને ઉનાળામાં અને ચોમાસામાં પોતાની છાયા અને આશરો આપે છે. તેવી જ રીતે સંબંધો પણ આપણને જીવનના ઉતાર ચઢાવ દરમિયાન પોતાના પ્રેમની હૂંફ આપે છે. બધા સંબંધોમાં ભાઈ-બહેનનો સંબંધ એક પવિત્ર વહેતી નદી જેવો છે.

બાળપણમાં એકબીજાને મદદરૂપ થતાં, એકબીજાની વસ્તુઓને વહેંચીને વાપરતા, એકબીજાનો સાથ આપતા, એકબીજા સાથે રમતાં, મસ્તી કરતાં, લડતાં વગેરે એવાં પ્રસંગો છે,જેને આપણે કદી ભૂલી શકતા નથી. મોટા થઈને આપણે થોડા ફોર્મલ થઈ જઈએ છીએ. મનમાં ભાઈ-બહેનને એકબીજાને ધણું કહેવાનુ કે એકબીજા માટે ધણું કરવાની ઈચ્છા થાય છે, પણ સંજોગો કે પરિસ્થિતિયો એવી આવી જાય છે કે મનની વાતો મનમાં જ રહી જાય છે.

બહેન જો મોટી હોય તો એક મા ની જગ્યા સંભાળે છે. મમ્મી કરતાં પણ વધુ સાર-સંભાળ બહેન જ રાખે છે. પછી તો મોટી બહેનની દુનિયા નાના ભાઈની આસપાસ જ સીમિત થઈ જાય છે. અને ભાઈ પણ બહેન વગર રહેતો નથી. તે પણ બહેનની પાછળ પાછળ જ ફરે છે. બોલશે તો બહેનની ભાષા, રમશે તો બહેનનાં જ રમકડાં આ રીતે ભાઈમાં પણ લાગણી,પ્રેમ અને એકબીજાની સંભાળના અંકુરો ફુટે છે. અને જો ભાઈ મોટો હોય તો તે પિતાતુલ્ય બની જાય છે.

બહેનના મનમાં પણ પિતાની જેમ જ મોટાભાઈની ધાક રહે છે. ક્યાંય જતાં પહેલાં ભાઈની પરવાનગી લેવી, કશુ પણ જોઈતુ હોય તો ભાઈ પાસેથી સિફારિશ કરાવવી વગેરે. અને ભાઈ પણ ભલે આમ લાગતું હોય કે બહેન આગળ દાદાગિરી કરે છે પણ આ તો તેનો પ્રેમ હોય છે. એક ભાઈ જ્યારે બહેનને કોઈ વાતે ટોકે તો તેની પાછળ તેનો આશય બહેનનું ભલુ વિચારવાનો જ છે.

ભાઈને બહેનને ચિડાવવામાં, તેને મજાકમાં મારવામાં, તેની વસ્તુઓ સંતાડવામાં બહુ મજા આવે છે. બહેનને પણ ભાઈની નાની નાની ફરિયાદો પપ્પા આગળ કરવામાં મજા આવે છે તો કદી એ જ બહેન ભાઈના નાના-મોટા દોષોને ઢાંકી દે છે. ભાઈ જોડે નાની નાની વાતોને લઈને લડનારી બહેનને પણ ભાઈના દરેક કામ કરવામાં બહુ આનંદ આવે છે. બહેન ભલે તેને પરેશાન કરનારા ભાઈને એમ કહેતી હોય કે મારા લગ્ન થશે ત્યારે તને શાંતિ થશે, પણ ખરી રીતે બહેનના લગ્ન પછી એક ભાઈને પોતાના બહેનની ખોટ વર્તાય છે તેટલી કદાચ માતા-પિતાને પણ ન વર્તાતી હોય.

ભાઈ-બહેન મોટા થઈ જાય, બંનેના લગ્ન થઈ જાય છે, અને બંને એકબીજાથી અલગ થઈ જાય છે. આવા સમયે રક્ષાબંધન એક એવો તહેવાર છે જે દરમિયાન બંને ભેગા મળીને એ જ હસી-મજાક, મશ્કરી કરવામાં અને બાળપણની વાતોને યાદ કરીને આ અનોખો તહેવાર હર્ષોલ્લાસથી ઉજવે છે. જો બંને એકબીજાથી દૂર હોય, કે બંને મળી શકે તેમ ન હોય તો પણ આ દિવસે એક-બીજાને યાદ કર્યા સિવાય રહી શકતા નથી.

આમ રક્ષાબંધન એક એવો તહેવાર છે, જે ભાઈ-બહેનના પવિત્ર પ્રેમની સાંકળને રાખડીના નાજુક રેશમી દોરા વડે બાંધી રાખે છે.

Share this Story:

Follow Webdunia gujarati