કોરોના કહેરને લઇને સંક્રમણ વધુ ફેલાઈ નહીં તે માટે સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડો બંધ જાહેર કરી રહ્યા છે. શું સૌરાષ્ટ્રના યાર્ડોમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે? તેવો સવાલ લોકોમાં ઉઠ્યો છે. આજે રાજકોટ માર્કેટ યાર્ડ દ્વારા 1 ઓગસ્ટથી 15 દિવસ સુધી બંધ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે. તેમજ ઉના માર્કેટ યાર્ડ પણ છેલ્લા બે દિવસથી બંધ અને આગામી 25 જુલાઇ સુધી બંધ રહેશે. યાર્ડમાં આવતા વેપારીઓ, ખેડૂતો અને મજૂરોમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાઈ તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના સૌથી મોટું ગોંડલનું યાર્ડ ચાલુ રહેશે. ગોંડલ યાર્ડ દ્વારા બંધ અંગે હજી સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. જૂનાગઢ, જામનગર, પોરબંદર, દ્રારકા, ભાવનગર, અમરેલી જિલ્લામાં યાર્ડો શરૂ રહેશે. બંધ અંગે હજી સુધી કોઇ જાહેરાત સત્તાધિશો દ્વારા કરવામાં આવી નથી. રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન ડી.કે. સખીયાએ જણાવ્યું હતું કે, રજાના દિવસો હોય ત્યારે લોકો યાર્ડમાં ફરવા આવે છે એટલે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શાકભાજી યાર્ડ ચાલુ રહેશે જ્યારે બીજી તમામ ચીજવસ્તુઓની ખરીદી, હરાજી બંધ રાખવામાં આવશે. 15 દિવસ સુધી યાર્ડ બંધ રાખવામાં આવશે. કોડીનાર માર્કેટ યાર્ડના કર્મચારીઓએ આજે કાળી પટ્ટી ધારણ કરી હતી. માર્કેટ યાર્ડ અધિનિયમન 2020ના વિરોધમાં ત્રણ દિવસ સુધી કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કરશે. સરકાર દ્વારા બજાર ધારામાં 25 જેટલા સુધારાઓને લઈને વિરોધ નોંધાવ્યો છે. 25 સુધારાઓમાંથી અમુક સુધારાઓ કર્મચારીઓ અને ખેડૂતોના હિત પર અસર કરવાનો આક્ષેપ કર્મચારીઓએ કર્યો છે. આ અંગે અનેક રજૂઆત કરવા છતાં યોગ્ય નિર્ણય ન આવતા કાળી પટ્ટી ધારણ કરી છે. આ ઉપરાંત બાબરા માર્કેટ યાર્ડના કર્મચારીઓએ પણ આજથી કાળી પટ્ટી ધારણ કરી છે જે ત્રણ દિવસ સુધી ધારણ કરી વિરોધ નોંધાવશે.