અનામત આંદોલન સમિતિના કન્વીનર હાદિક પટેલની ધરપકડના વિરોધમાં મોરબી જિલ્લા તોફાની ટોળાઓ દ્વારા આગજની સહિતના અનિચ્છનીય બનાવો ગતરાત્રીના પણ બનવા પામ્યા હતા અને મોરબી જિલ્લામાં તોફાની ટોળાઓએ ત્રણ એસ.ટી. બસને નિશાન બનાવી સળગાવી નાખી હતી અને રસ્તો બ્લોક કરનાર ટોળાને વિખેરવા જતાં પોલીસ પર પણ પથ્થરમારો થયો હતો. જેમાં બે પીએસઆઇને ઇજાઓ થઇ હતી. બે પોલીસની જીપના કાચ તોડી નાખવા સહિત વાહનમાં તોડફોડ કરી હતી. તોળાને વિખેરવા પ્રતિકારરૂપે પોલીસે ચાર રાઉન્ડ રબ્બર સેલના છોડયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ ગતરાત્રીના રવાપર ગામ પાસે એકઠા થયેલા તોફાની ટોળાએ રવાપરથી લાલપર ગામે જતો રસ્તો બ્લોક કરી દેતાં અને પોલીસને તેની જાણ થતાં તે રસ્તો ખુલ્લો કરાવવા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને રસ્તો ખુલ્લોરાવ્યો હતો. દરમિયાનમાં થોડેદુર અંદાજે ૫૦૦ લોકો એકઠા થયેલા ટોળાએ પોલીસ પર એકાએક પી.એસ.આઇ. એ.બી.પટેલ પર પથ્થર મારો કરતા ઇજાઓ થઇ હતી અને પી.એસ.આઇ. પી.એમ.જાડેજા પણ મુંઢમારનો ભોગ બન્યા હતા. તોફાની ટોળાએ પથ્થરાવમાં બે પોલીસ જીપનાં કાચ તોડવા સાથે વાહનમાં તોડફોડ કરી હતી. પોલીસ પ્રતિકારરૂપે ચાર રાઉન્ડ રબ્બર સેલના છોડયા હતા.
રાત્રીના એક વાગ્યાની આસપાસ અંતરીયાળ હાઇવે પર મોરબીના ભરતનગર પાસે, આંદરાણા પાસે અને માળીયા (મીં)ના રાપર પાસે બસો સળગાવાઇ હતી. બસો સળગાવાતા ત્રણ-ત્રણ બસના મુસાફરો રઝળી પડયા હતા અને રાત્રીના અંધકારમાં ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.
મોરબી જિલ્લા પોલીસવડા રાજનસુશ્રા, સીટી પી.આઇ. સોનારા, ઇજાગ્રસ્ત પીએસઆઇઓ સીહતના પોલીસ કાફલાએ રાતભર દોડધામ કરી હતી. મોરબી શહેરી વિસ્તારમાં હાલમાં સંપૂર્ણ શાંતિ પ્રવર્તે છે. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોરબીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
હાર્દિક પટેલની ધરપકડના વિરોધમાં સૌરાષ્ટ્ર શાંત રહ્યા બાદ મોરબી પંથકમાં ગઇકાલે રાત્રે અચાનક તોફાનો શરૂ થતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. જોકે, આજ સવારથી મોરબી શહેર અને જિલ્લામાં અજંપાભરી શાંતિ પ્રવર્તે છે.