અનામત આંદોલન વેળાએ મેં કેટલાક મુર્ખામી કે બેવકુફીભર્યા નિવેદનો કર્યા હતા - હાર્દિક પટેલ
, બુધવાર, 16 ડિસેમ્બર 2015 (12:16 IST)
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે સુપ્રિમ કોર્ટ સમક્ષ એવો સનસનીખેજ સ્વીકાર કર્યો છે કે, અનામત આંદોલન વેળાએ મેં કેટલાક મુર્ખામી કે બેવકુફીભર્યા નિવેદનો કર્યા હતા પરંતુ હિંસાના માધ્યમથી ગુજરાતની ચૂંટાયેલી સરકારને ઉખાડીને ફેંકી દેવાનો મારો કોઇ ઇરાદો ન હતો.
હાર્દિક પટેલ વતી ગઇકાલે સુપ્રિમ કોર્ટમાં તેમના વકીલ કપીલ સિબ્બલે જણાવ્યુ હતુ કે, મેં જે કેટલાક નિવેદનો કર્યા હતા તે મારા મતે કરવા જોઇતા ન હતા. કેટલાક નિવેદનો મેં મુર્ખામીભર્યા કર્યા હતા અને તેને કારણે કેટલીક દુર્ભાગ્યપુર્ણ ઘટનાઓ પણ થવા પામી હતી પરંતુ મારો ગેરકાયદેસર રીતે સરકાર ઉખાડીને ફેંકી દેવા કોઇ ઇરાદો ન હતો. મે તો માત્ર ગુજરાત સરકારની અનામત નીતિનો વિરોધ કર્યો હતો.
કપીલ સિબ્બલે જસ્ટીસ જે.એસ.ખેર અને જસ્ટીસ રોહીન્ટન એફ. નરીમનની ખંડપીઠ સમક્ષ દલીલો કરી હતી. જેમાં તેમણે કથિત રીતે રાજય સરકારને અસ્થિર કરવા માટે હિંસાનો સહારો લીધો અને પટેલ યુવકોને ભડકાવ્યા તે બદલ હાર્દિક સામે ર૧ ઓકટોબરના રોજ દાખલ થયેલી એફઆઇઆરના બારામાં કેટલી દલીલો કરી હતી. કોર્ટ કેટલાક આરોપોને કાઢી નાખવા સહમત થઇ હતી પરંતુ રાજદ્રોહ અને સરકાર વિરૂધ્ધ યુદ્ધ છેડવા માટેના આરોપો ચાલુ રહેશે.
હાર્દિક પટેલ સામે રાજદ્રોહનો વધુ એક મામલો છે જેમાં તેણે પોતાના સાથીદારોને કથિત રીતે પોલીસ કર્મચારીઓને મારી નાખવા કહ્યુ હતુ. હાર્દિકે આત્મહત્યા કરવાને બદલે પોલીસોને મારવા જેવુ નિવેદન કર્યુ હતુ. હાર્દિક હાલ જેલમાં છે.
હાઇકોર્ટના આદેશનો વિરોધ કરતા કપિલ સિબ્બલે કહ્યુ હતુ કે, હાર્દિકે કથિત નિવેદન કર્યા બાદ કોઇ ઘટના બનવા પામી ન હતી વળી કોઇ નિવેદનથી એવુ સાબીત ન થઇ શકે કે તે રાજય વિરૂધ્ધ યુદ્ધ છેડી રહ્યો છે. તેમણે કહ્યુ હતુ કે, કોઇ અનિચ્છનીય ઘટનામાં હાર્દિકનો હાથ હોવાના કોઇ પુરાવાઓ મળ્યા નથી. હાર્દિકે ફકત રાજય સરકારની નીતિ વિરૂધ્ધ વિરોધ નોંધાવ્યો હતો.
જો કે ગુજરાત સરકાર તરફથી અટોર્ની જનરલ મુકુલ રોહતગીએ કપીલ સિબ્બલની દલીલનો વિરોધ કરતા જણાવ્યુ હતુ કે, પોલીસ સ્ટેશનને આગને હવાલે કરી દેવામાં આવ્યા હતા, એક જિલ્લા જ્જ ઉપર હુમલો થયો હતો, એક પોલીસ કર્મી પોતાના જીવનથી હાથ ધોયા, સાંસદો અને ધારાસભ્યોની ઓફિસોને નિશાના ઉપર લેવામાં આવી હતી. આ બધુ ઉશ્કેરણીજનક નિવેદન પછી જ થયુ હતુ. તેમણે કહ્યુ હતુ કે, જયારે ન્યાયપાલિકા અને બીજી બાબતો ઉપર પ્રહારો થયા હોય ત્યારે એ કેવી રીતે કહી શકે કે કશુ થયુ જ નથી. તેમણે કહ્યુ હતુ કે, એફઆઇઆર ઓકટોબરમાં નોંધાઇ હતી. જયારે સ્ટેટમેન્ટ ઓગષ્ટમાં કરવામાં આવ્યુ હતુ. પોલીસ ફોનટેપ અને ફકત વાતચીતની તપાસ બાદ આ બધુ બહાર આવ્યુ હતુ.
આ બાબત પર ખંડપીઠે કહ્યુ હતુ કે, કોઇપણને બહાર આવીને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાની પરવાનગી આપી ન શકાય. રાજય સરકાર વિરૂધ્ધ યુધ્ધ છેડવાના કૃત્યોની એક શૃંખલાનું આ અંતિમ પરિણામ હતુ. અંતિમ તબક્કે પહોંચ્યા પહેલા અનેક બીજા કૃત્યો આચરવામાં આવ્યા હતા. તમે આંદોલનના નેતા છો, જો તમે ઘરે બેઠા હો તો પણ તમને કેટલાક કૃત્યો માટે દોષિત ઠેરવી શકાય છે. તેવુ ખંડપીઠે સિબ્બલને જણાવ્યુ હતુ.
પરંતુ જયારે ખંડપીઠને જણાવાયુ કે, બે એફઆઇઆર બદલ હાર્દિક પટેલ જેલમાં છે તો ખંડપીઠે મામલો તપાસવા અને ગુજરાત સરકારને નોટીસ ફટકારવા નક્કી કર્યુ હતુ. હવે આવતા મહિને આ મામલે વધુ સુનાવણી થશે. આ કેસમાં આરોપીને જામીન આપવા કે છોડી મુકવા અંગે હાલ કોઇ વચગાળાનો આદેશ આપવા ખંડપીઠ તૈયાર ન હતી.