પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે અગાઉ જણાવ્યું હતું કે દેશની સુપ્રીમ કોર્ટ એક આતંકવાદી માટે અડધી રાત્રે ખૂલી શકતી હોય તો પાટીદાર યુવાનો માટે કેમ નહીં? આવા સવાલ ઉઠાવનાર ખુદ હાર્દિક પટેલ માટે યોગાનુયોગ મોડી રાત્રે હેબિયેસ કોર્પસ દાખલ કરવા માટે હાઇકોર્ટમાં અરજી કરાઇ હતી અને હાઇકોર્ટે મોડી રાત્રે અરજી લઇ હાર્દિક પટેલને શોધવા આદેશ આપ્યો હતો. પાટીદારોની માગણી માટે અડધી રાતે કોર્ટ ખુલવાની વાત કરનાર હાર્દિક પટેલ માટે પણ હાઈકોર્ટે રાત્રે પોણા ત્રણ વાગ્યા સુધી ચાલી હતી!
રમેશ ધડુક નામની વ્યક્તિ PASSને આંદોલનમાંથી હટવા ધમકી આપતી હતી
હેબિયેસ કોર્પસમાં એવૂ રજૂઅાત કરાઈ હતી કે છેલ્લા બે દિવસથી પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ તેમજ પાસના સભ્યોને રમેશ ધડુક નામની વ્યક્તિ તરફથી ધમકીઓ મળતી હતી કે આ આંદોલનમાંથી ખસી જાવ, નહીં તો તમારા જોવા જેવા હાલ થશે, જેથી હાર્દિક પટેલની સલામતી અંગે પણ PASS સભ્યોને શંકા છે.
હાઈ વોલ્ટેજ ડ્રામાનો સમગ્ર ઘટનાક્રમ
રાત્રે ૧૦ વાગ્યે: PASSનો હાર્દિકને શોધવા પ્રયત્ન
રાત્રે ૧૦.૧૫ વાગ્યે: ગુજરાત હાઇકોર્ટમાં હેબિયેસ કોર્પસ દાખલ કરવા માટે અરજી લખાઇ
રાત્રે ૧૧ વાગ્યે: ચીફ જસ્ટિસ પાસે સુનાવણી માટે સમય માગ્યો
રાત્રે ૧૨.૩૦ વાગ્યે: સુનાવણી માટે સમય મળ્યો
રાત્રે ૨ વાગ્યે: વકીલ બી.એમ. માંગુકિયા જસ્ટિસ એમ.આર. શાહના બંગલે પહોંચ્યા
રાત્રે ૨.૧૫ વાગ્યે : જસ્ટિસ એમ.આર. શાહ અને કે.જે. ઠાકરની ખંડપીઠ સમક્ષ સુનાવણી શરૂ થઇ
રાત્રે ૨.૪૫ વાગ્યે: સુનાવણી પૂર્ણ થઇ અને હાર્દિકને ગમે ત્યાંથી શોધવા આદેશ કરાયો