ઉદયપુરમાં છ મહિનાની નજરકેદ હેઠળ રહેલા હાર્દિક પટેલે મહેસાણા જિલ્લાના વીસનગરના ભાજપના ધારાસભ્ય ઋષિકેશ પટેલને પત્ર પાઠવીને તેમના પર ગુજરાતમાં વર્ગ વિગ્રહ ફેલાવવાની સોપારી લીધી હોવાનો આક્ષેપ કર્યો છે. હાર્દિક પટેલના ઋષિકેશ પટેલને ગઇકાલે પાઠવાયેલા પત્રમાં વધુમાં જણાવાયું છે કે ઉત્તર ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનથી ભાજપ કમજોર બન્યું છે. ઠાકોર સમાજના વ્યસન મુક્તિ આંદોલનથી અન્ય સમાજમાં પણ જાગૃતિનું પ્રમાણ વધ્યું છે. આ સ્થિતિના કારણે ભાજપ સમાજમાં વર્ગ વિગ્રહ સર્જવા માગે છે.જેની સોપારી તમારા દ્વારા લેવાઇ છે. વીસનગરના વાલમ ગામથી તમે આ બાબતની શરૂઆત પણ કરી છે. આપ વિકાસની રાજનીતિ નહીં પણ જાતિ વિનાશની રાજનીતિ રમી રહ્યા છો. પરંતુ હવે ૧૯૮૪ કે ર૦૦રનું પુનરાવર્તન થશે નહીં. તેમણે રાજયની જનતાને આવનારા સમયમાં એકતા જાળવી રાખવાની અપીલ કરતાં છેલ્લે ધારાસભ્યને એવી પણ ચમકી આપી છે કે જનતાની એકતામાં ભંગ ના પડાવતાં નહીંતર જોવા જેવી થશે.