યા દેવી સર્વ ભૂતેષુ માતૃ રૂપેણ સંસ્થિતા
નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમો નમ:
ઉત્સવો ઉજવવાની પરંપરા માનવ સંસ્કૃતિથી ચાલી આવે છે. આજની ભાગદોડવાળી જીવન શૈલી માટે તો ઉત્સવો મનાવવા ખૂબજ જરૂરી છે. ઉત્સવોથી માનવ જીવનમાં નવી શક્તિનો સંચાર થાય છે. હિન્દુ સંસ્કૃતિના તહેવારોમાં અનેક વિવિધતા જોવા મળે છે. એમાંય નવરાત્રિ જેવા તહેવારની તો વાત જ નિરાળી છે. જગતમાતા મા અંબાની આરાધનાના પર્વ નવરાત્રિમાં શક્તિ, ભક્તિ અને મસ્તીનો અનોખો સંગમ જોવા મળે છે.
દુર્ગા સપ્તશસિનો ચોથો અધ્યાય કે જે શક્રાદ સ્તુતિ તરીકે ઓળખાય છે. નવરાત્રિમાં હવન અષ્ટમીએ બીડુ હોમતાં બોલાતી આ શક્રાદ સ્તુતિમાં જગત માતા જગદંબા અને નવરાત્રિ પૂજા અર્ચનાનો મહિમા રજુ કરાયો છે. નવરાત્રિમાં મા અંબાના વિવિધ સ્ત્રોતોનું ગાન દુ:ખ દારિદ્ર, શોક-ભય સહિત તમામ સંકટોમાંથી બહાર કાઢનાર તથા વધુ ફળદાયી છે.
નવરાત્રિમાં નવ દિવસોમાં મા અંબાને શરણે જઇ શક્તિરૂપી મા અંબાની સ્તુતિ કરવાથી જીવન ધન્ય થાય છે. શક્તિની આરાધના કરવા માટે વિવિધ સ્ત્રોત છે જેમાં ભગવત્યષ્ટક, ભવાન્યષ્ટક, આનંદલહરી, ભવાની સ્ત્રોત, શક્રાદય સ્તુતિ, ભગવતી પુશ્પાંજલિ, રાજરાજેશ્વરી, સ્ત્રોત તથા દેવ્યાપરાધ ક્ષમાપન સ્ત્રોત મુખ્ય છે.
નવરાત્રિમાં શકિત ઉપાસના અને દુર્ગા પૂજાનું સવિશેષ મહત્વ છે. નવ દિવસ ચાલનાર આ શક્તિ પૂજામાં મા અંબાના વિવિધ નવ રૂપની આરાધના કરવામાં આવે છે. પ્રથમ દિવસની આરાધના શૈલપુત્રીના રૂપમાં કરવામાં આવે છે. બીજા દિવસે બ્રહ્માચારીણા, ત્રીજા દિવસે ચન્દ્રઘંટા, ચોથા દિવસે કૃષ્માંડા, પાંચમા દિવસે સ્કન્દમાતા, છઠ્ઠા દિવસે કાત્યાયની, સાતમા દિવસે કાલરાત્રિ, આઠમા દિવસે મહાગૌરી અને નવમા દિવસે સિધ્ધિદાત્રીની રૂપમાં મા શક્તિની પૂજા અર્ચના કરવામાં આવે છે.
નવરાત્રીમાં મહાલક્ષ્મી અને મા સરસ્વતિની આરાધના પણ કરવામાં આવે છે. જેમાં ગાયત્રી ઉપાસનાનું પણ વધુ મહત્વ છે. એવું કહેવાય છે કે 24 અક્ષરવાળા ગાયત્રી મંત્રની 27 માળા કરવામાં આવે તો એક અનુષ્ઠાન પુરૂ થયું ગણાય છે.
શક્તિ, ભક્તિ સાથે આ પર્વ મસ્તીનું પણ છે. મોડી રાત સુધી રાસ, ગરબાની રમઝટ જામે છે. જેમાં યુવા ખેલૈયાઓને મોજ પડે છે. આધુનિક કી બોર્ડના તાલે હાઇ ફ્રિકવન્સીના સ્પીકરોથી રમાતા ગરબામાં યુવક-યુવતીઓ મસ્તીથી ઝુમી ઉઠે છે ત્યારે આ પવિત્ર પર્વની ગરિમા જાળવવી આપણા સૌ કોઇની ફરજ થઇ પડે છે. મસ્તીમાં આપણે એટલા બધા સ્વચ્છંદ ના બનીએ કે શક્તિ, ભક્તિના આ પર્વને ઝાંખપ લાગે......