Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નવલા નોરતાના એ સ્મરણો...

નવલા નોરતાના એ સ્મરણો...

જનકસિંહ ઝાલા

, શુક્રવાર, 18 સપ્ટેમ્બર 2009 (15:34 IST)
હું ત્યારે માંડ આઠ-દસ વર્ષનો હોઈશ. નવરાત્રિના એ નવલા પર્વમાં સાંજ પડતાની સાથે જ ચાર-પાંચ બાળાઓ માથે ગરબો લઈને ઘરે આવતી. એમાની એક બાળા મારી માને કહેતી
W.D
W.D
'ભાઈનું નામ શું છે ?' માં મારુ નામ તેમને કહેતી અને બસ એ નામનો ઉલ્લેખ કરીને આ બાળાઓ ગરબો ગાવાનું શું કરી દેતી. ગરબાની એ લાઈનો તો હાલ યાદ નથી પરંતુ એટલું જરૂર યાદ છે કે, જ્યારે ગરબો પૂરો થતો ત્યારે એ બાળાઓ કહેતી માસી ગરબામાં કાં તો તેલ પૂરાવો અને કાં તો દોકડો આપો.


એ બાળાઓના ગયાં બાદ ચાર-પાંચ ટાબરિયાઓ પણ પુઠાનું એક ઘર બનાવીને આંગણે ઉભા રહી જતાં અને ઘોઘો ગાવા માંડતા. શબ્દો કંઈક આ પ્રકારના હતાં 'ઘોઘો ઘોઘો ઘોસલા હાથી ભાઈના વિસલા..' ઘોઘો પૂરો થતાની સાથે જ બાળકો પાવલી-આઠાના માટે જીદ કરવા લાગતાં. આજે એ સમય વિતાવ્યાને 20 વર્ષ પસાર થઈ ગયાં.સમયના વહેણ સાથે ઘણું બધુ બદલાઈ ગયું. આજે નવરાત્રિ જ નવી રહી બાકી તમામ જૂની વસ્તુઓ ક્યાં ખોવાઈ ગઈ તેની કોઈને પણ જાણ નથી.

કદાચ તેને પણ સમયનો કાટ લાગી ગયો. કાં તો પછી ઉંધઈ કોતરી ગઈ. આજે ક્યાંય પણ ગરબા અને ઘોઘો ગાતા ટાબરિયાઓ નજરે નથી ચડતાં. એક એ પણ સમય હતો જ્યારે સાંજ પડતાની સાથે જ શેરીની તમામ મહિલાઓ ચોકમાં એકત્ર થતી, સાથે મળીને માતાજીનો ફોટો એક ખુરશી પર રાખતી અને તેને ચુંદડી ઓઢાડતી, નાની નાની બાળાઓ પણ ચણિયા-ચોળી પહેરી, મોગરાની સુંગધી વેણી નાખી, ઝાંઝર રણકાવતી આમ તેમ ફરતી નજરે ચડતી. સાંજના આઠ વાગતા જ 'જય આદ્યાશક્તિ જય આદ્યાશક્તિ અંખડ બ્રમ્હાડની પાયા' ની આરતી શરૂ થતી. એક મહિલા આ આરતી ગાતી અને બીજી બે મહિલા તેને ઝીલાવતી.

'ચપટી ભરી ચોખાને ઘીનો દે દિવડો, માં પાવા તે ગઢથી ઉતર્યા એ મહાકાળી, પંખીડા તું ઉડીને જજે પાવાગઢ રે.. તુ કાળીને કલ્યાણી રે માં જ્યાં જુવું ત્યાં જગમાયા' એક પછી એક આવા ગરબાઓની રમઝટ જામતી. અચાનક જ માઈક પરથી કમળાબેન જાહેરાત કરતા કે, આજની લાણી ફલાણા ભાઈ તરફથી છે, આજનો પ્રસાદ ઢીકણા ભાઈ તરફથી છે અને આજનું બાળાઓ માટેનું દુધ ફલાણા બેન તરફથી છે. લાણી લેવા માટે જ્યારે એ બાળાઓ સ્ટેજ પર આવતી ત્યારે તેઓને અચૂક પણ 'જય માતાજી' બોલવું પડતું. તેમનો એ ટહુકો સાંભળવામાં એટલો મીઠો લાગતો કે ન પુછો વાત.

અંતે નવરાત્રિને પણ નવો અવતાર લેવો પડ્યો. ગરબાઓ ગૂમ થયાં, હુડો, હમચી અને ટિટોળાનું સ્થાન તાળીરાસ, મધુબંસી, પંચિયુ અને સિક્સ સ્ટેપ્ટે લઈ લીધું. ગરબીઓ પણ પોતાનું રૂપ ડિસ્કો થેકમાં બદલ્યું. ખૈલૈયાઓ મેકઅપ તો બદલાયો જ પણ તેમના લયમાં પણ જોરદાર પરિવર્તન આવ્યું. કંકૂનો ચાદલો કરીને ગરબે ઝૂમનારી બાળાઓ હવે ખભ્ભે ટેટુ (છુંદાણા) ચિતરાવીને ઝૂમવા લાગી. આમ ગરબાઓને પણ એક નવું નામ મળ્યું જે હતું 'હાઈ ટેક ગરબા'.

અહીં કોઈ કમળાબેન ન દેખાયા. ન તો તેમના દ્વારા કોઈ લાણીની જાહેરાત કરાઈ. દૂધ પીનારી બાળાઓ હવે થમ્સ અપ અને પેપ્સી પીવા લાગી. અહીં નાનકડો મંડપ ન દેખાયો પરંતુ એક મોટું સ્ટેજ દેખાયું. એક એવું સ્ટેજ જ્યાં તબલા અને ઝાંઝને બાદ કરતા તમામ પ્રકારના સંગીતના સાધનો હતાં. ગીતો પણ કંઈક એવા 'ગૌરી તેરા ગાંવ બડા પ્યારા મેં તો ગયાં મારા', ' સુહાના સફર હૈ યે મૌસમ સુહાના.'

જોત જોતામાં જ આ તહેવાર એક વ્યવસાય બની ગયો. ગરબે રમવા-ઝૂમવા અને જોવા માટે નાણા વસૂલવાના શરૂ થયાં. લાણીઓનું સ્થાન મોટા મોટા ઈનામોએ લીધું. માતાજીના ફોટા તો ભાગ્યે જ હવે તો જ્યાં જુઓ ત્યાં દીવાલો પર જાહેરાતોના બોર્ડ દેખાવા લાગ્યાં. સારુ રમનારને ઈનામ, સારો ડ્રેસ પહેરનારને ઈનામ, પ્રિંસ અને પ્રિંસેસના નામે ઈનામોની વણઝાર છુટી. ઈનામ લેતી વેળાએ 'જય માતાજી' નું નામ ગુમ થયું અને ' 'થેક્યૂં સર અને થેંક્યૂ મેડમ' ના આલાપો થવા લાગ્યાં.

Janaksingh Zala
Sub Editor (Webdunia Pvt. Ltd)
Mo. 09754144124

Share this Story:

Follow Webdunia gujarati