પંજાબના મુખ્યમંત્રી પદની શપથ લીધા પછી તરતજ ચરણજીત સિંહ એક્શન મોડમાં આવી ગયા. ચન્નીએ પોતાની પહેલી પ્રેસ કૉન્ફ્રેસ દરમિયાન જ કેન્દ્ર સરકારને ત્રણેય ખેડૂતોના બીલ પરત લેવાની માંગ કરી છે. ચન્નીએ જણાવ્યું છે કે તેમને હાઇકમાન્ડ તરફથી 18 મુદ્દાઓનુ લિસ્ટ મળ્યુ છે, જેમને તેઓ તેમના બાકીના કાર્યકાળ દરમિયાન પૂર્ણ કરશે. મુખ્યમંત્રી બનતાની સાથે જ ચન્નીએ રાજ્યના ખેડૂતોના બાકી પાણી અને વીજળીના બિલ માફ કરવાની મોટી જાહેરાત કરી. પત્રકાર પરિષદમાં ચન્ની સાથે હરીશ રાવત અને નવજોત સિંહ સિદ્ધુ પણ હાજર હતા.
ચન્નીએ ખેડૂતો સાથે પોતાની વાતચીત શરૂ કરી અને કહ્યું કે તેમની સરકાર ગરીબોની સરકાર છે અને તે ખેડૂતોની સાથે છે. ચન્નીએ કહ્યું કે જો ખેડૂત ડૂબી જશે તો દેશ ડૂબી જશે, હું ખેડૂતને કોઈ નુકસાન થવા નહીં દઉં. તેમણે કહ્યું કે પંજાબ સરકાર ખેડૂતોના સંઘર્ષમાં તેમની પડખે કાયમ ઉભી છે અને ઉભી રહેશે અને રાજ્યમાં ખેડૂતને નબળો પડવા દેવામાં નહી આવે. ચન્નીએ કહ્યું કે અમે ખેડૂતોને દરેક રીતે ટેકો આપીએ છીએ. ચન્નીએ એમ પણ કહ્યું કે જો ખેડૂતોને કંઈ પણ થશે તો હુ મારી ગરદન આગળ ધરી દઈશ.