ઉત્તરાખંડના ચંપાવતમાં સોમવારે મોડી રાત્રે એક મોટી દુર્ઘટના બની છે. ચંપાવત જિલ્લાના ડાંડા વિસ્તારમાં સોમવારે રાત્રે જાન લઈને પરત ફરી રહેલું એક વાહન ખીણમાં પડી ગયું હતું, જેમાં 14 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી હાથ ધરી હતી. 4.20 વાગ્યા સુધીમાં તમામ મૃતદેહોને ખીણમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા બે લોકોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
ટનકપુર-ચંપાવત હાઈવે સાથે જોડાયેલા સુખીઢાંગ-ડાંડામિનાર રોડ પર એક વાહન અકસ્માતમાં 16માંથી 14 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ગંભીર રીતે ઘાયલ ડ્રાઇવર અને અન્ય વ્યક્તિને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. વાહનમાં સવાર તમામ લોકો ટનકપુરની પંચમુખી ધર્મશાળામાં આયોજિત લગ્નમાં હાજરી આપીને ઘરે પરત ફરી રહ્યા હતા. જાણવા મળ્યુ છે કે ગત રાત્રે લગભગ 3.20 વાગે વાહન બેકાબૂ થઈને ઉંડી ખીણમાં પડી ગયું હતું.
કાકનાઈ નિવાસી લક્ષ્મણ સિંહના પુત્ર મનોજ સિંહના લગ્નમાં હાજરી આપવા બધા ગયા હતા. મૃતકોમાં મોટાભાગના લક્ષ્મણ સિંહના સંબંધીઓ હોવાનું કહેવાય છે. ડ્રાઈવરની હાલત વધુ ગંભીર છે. મૃતકો કકનઈના ડાંડા અને કઠૌતી ગામના વતની હતા. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ અકસ્માત ક્ષમતા કરતા વધુ સવારે બેસાડવાને કારણે થયો હોવાનું માનવામાં આવે છે. જોકે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.