મતદાનના સમયમાં એક કલાકનો વધારો થશે
ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં વોટર વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રાયલ (VVPAT)નો ઉપયોગ થવાનો છે, જેના પગલે મતદાનમાં વધુ સમય જાય તેમ હોઈ મતદાનના સમયમાં એક કલાકનો વધારો કરવામાં આવે તેવી શકયતા છે. મુખ્ય ચૂંટણી પંચ સમક્ષ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાનના સમયમાં એક કલાકનો વધારો કરવા માટે રજૂઆત કરાઈ છે અને આ મુદ્દે ચૂંટણી પંચ વિચારણા કરી રહ્યું હોવાનું જાણવા મળે છે. દરમિયાન વિધાનસભાની ચૂંટણીને લઈને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કવાયત શરૂ કરાઈ છે. જેમાં આગામી 25 ઓકટોબર સુધી બૂથ લેવલ ઓફિસર તેમના વિસ્તારમાં આવેલા તમામ ઘરોની મુલાકાત લઈ મતદારની વિગતોની ચકાસણી કરશે.
ભાજપને હરાવવા હાર્દિક પટેલ અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણીએ હાથ મિલાવ્યા
ગુજરાતની ચૂંટણીનો રંગ બરાબરનો જામતો જઈ રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના ગુજરાત પ્રવાસો શરૂ થઈ ગયા છે. ભાજપ માટે અત્યારે ગુજરાતમાં ભૂતકાળમાં કયારેય ન હતી તેવી મુશ્કેલી સ્થિતિ જોવા મળી રહી છે. પાટીદારો, ઓબીસી, દલિત સમાજ અને વેપારી આલમ ભાજપથી નારાજ જોવા મળી રહ્યો છે. એક ટીવી ચેનલના એક કાર્યક્રમમાં હાર્દિક પટેલ, ઠાકોર સેનાના નેતા અલ્પેશ ઠાકોર અને દલિત નેતા જિગ્નેશ મેવાણી એક સાથે ઉપસ્થિત રહ્યા હતા. ત્રણે યુવા નેતાઓએ ભાજપ સરકાર સામે ભારે રોષ વ્યકત કર્યો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સરકારને સત્તાને બહાર કરવાની પણ ત્રણેય વાત કરી.
મોટાભાગના લોકો અડવાણી રાષ્ટ્રપતિ બને તેમ ઈચ્છતા હતા - શત્રુધ્ન સિન્હા
નવી દિલ્હીઃ ચાલુ વર્ષની શરૂઆતમાં રાષ્ટ્રપતિ પદ માટે નામિત કરવામાં આવેલ ભાજપના અનુભવી નેતા લાલકૃષ્ણ અડવાણી માટે મહેનત કરનાર ભાજપ નેતા શત્રુઘ્ન સિન્હાએ એક ચેનલને જણાવ્યું કે, તેમને ભાજપમાં આ મુદ્દે મોટી સંખ્યામાં લોકો સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે, 80 ટકા લોકો અડવાણીને રાષ્ટ્રપતિ તરીકે ઈચ્છતા હતા. શત્રુઘ્નની આ વાત જ સૂચવે છે કે પક્ષમાં ટોચના સ્તર પર કેવી આંતરીક લડાઈ ચાલી રહી છે.
Ind vs Aus.. - વરસાદને કારણે ત્રીજી ટી-20 મેચ રદ થતા શ્રેણી 1-1થી બરાબર
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી અને અંતિમ ટી-20 મેચ વરસાદના કારણે રદ્દ કરવામાં આવી છે. ત્રણ ટી-20 મેચની સીરિઝમાં પ્રથમ મેચમાં ટીમ ઇન્ડિયાનો વિજય થયો હતો જ્યારે બીજી ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયા વિજય મેળવી શ્રેણી સરભર કરી હતી. આ સાથે જ ત્રણ મેચની સિરીઝ 1-1થી બરાબર થઇ હતી.
જમ્મુ-કાશ્મીરમાં તોઈબાના ટોચના કમાન્ડર વસીમ શાહ અને હાફિઝ નિસાર ઠાર
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓના ખાત્માની કાર્યવાહીના ભાગરૂપે શનિવારે સવારે બે વાગે બે આતંકીઓને ઢાળી દેવાયા હતાં. કાશ્મીરના પુલવામાના લિટર ગામે સુરક્ષા દળો સાથેની અથડામણમાં લશ્કરે તોઈબાના ટોચના કમાન્ડર વસીમ શાહ અને હાફિઝ નિસાર ઠાર મરાયા હતાં. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વસીમ શાહનો સમાવેશ મોસ્ટ વોન્ટેડમાં થતો હતો. વર્તમાન વર્ષમાં અત્યાર સુધી 171 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે.