નર્મદામાં ફસાયાં શ્રધ્ધાળુઓ- ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવતાં નર્મદા નદીમાં ફસાયેલા 20થી વધુ શ્રદ્ધાળુઓને બચાવી લેવાયા છે. તે બધા નદીમાં ન્હાવા ગયા હતા, પરંતુ વધતા પાણી અને જોરદાર પ્રવાહ જોઈને તેઓ ડરી ગયા, પછી મદદ માટે બૂમો પાડવા લાગ્યા. કિનારા પરના લોકોએ ડાઇવર્સને જાણ કરી. આ પછી બોટ અને દોરડાની મદદથી બધાને બહાર કાઢવામાં આવ્યા હતા.ભક્તો અલગ-અલગ ખડકો પર અટવાયા હતા. આ ઘટના બની ત્યારે નદીમાં બોટીંગ પણ ચાલી રહી હતી.
ડાઇવર્સે શ્રદ્ધાળુઓનું દોરડું પકડી લીધું હતું, જેની મદદથી દરેકને એક પછી એક કિનારે લાવવામાં આવ્યા હતા.
ટીઆઈ બલજીત સિંહ બિસેનના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રના 14 યુવા ભક્તો ઓમકારેશ્વરના દર્શન કરવા આવ્યા હતા. આ ઉપરાંત અન્ય કેટલાક ભક્તો પણ હતા. બધા નર્મદાના ખડકો પર સ્નાન કરી રહ્યા હતા. ડેમમાંથી પાણી છોડવાના કારણે નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો. પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે ભક્તોના પગ લથડવા લાગ્યા. તેઓ ખડકો પર ઊભા હતા. અહીં પાણીનું સ્તર પણ વધી રહ્યું હતું.