રાજ્યસભા સાંસદ અને સામાજિક કાર્યકર્તા સુધા મૂર્તિ સાયબર છેતરપિંડીનો ભોગ બન્યા છે. તેમણે બેંગલુરુ સાયબર પોલીસ સ્ટેશનમાં એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
રાજ્યસભા સાંસદ અને લેખિકા સુધા મૂર્તિએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધાવી છે. અહેવાલો અનુસાર, સાયબર ગુનેગારે તેમને ધમકી આપી હતી અને દાવો કર્યો હતો કે તેમના અશ્લીલ વીડિયો વાયરલ થઈ રહ્યા છે.
પોલીસ માહિતી અનુસાર, 5 સપ્ટેમ્બરના રોજ સુધા મૂર્તિને તેમના મોબાઇલ ફોન પર એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાને ટેલિકોમ્યુનિકેશન વિભાગના કર્મચારી તરીકે ઓળખાવી હતી અને દાવો કર્યો હતો કે તેમનો મોબાઇલ નંબર આધાર સાથે લિંક નથી.
ફોન કરનારે તેમને ધમકી આપી હતી કે તેમના અશ્લીલ વીડિયો વાયરલ થયા છે અને ટેલિકોમ્યુનિકેશન વિભાગ તેમની મોબાઇલ સેવાઓ બંધ કરશે. સુધા મૂર્તિએ તાત્કાલિક આ બાબતની જાણ સાયબર ક્રાઇમ પોલીસને કરી હતી. પોલીસે કોલ કરનાર સામે FIR નોંધી છે અને તપાસ શરૂ કરી છે.