જમ્મુ-કાશ્મીરના અમરનાથ મંદિરે દર્શન કરવા માટે જવા ઈચ્છતા લોકોએ મેડિકલ સર્ટિફીકેટ સુપરત કરવાની અનિવાર્યતાનો નિર્ણય લેવાયો હોવાની જાહેરાત કરતા શ્રી અમરનાથજી સાઈન બોર્ડના સૂત્રોએ જણાવ્યુ હતુ કે, એ યાત્રામાં 13 વર્ષથી ઓછી ઉંમરના અને 75 વર્ષથી વધારે ઉંમરના યાત્રાળુઓ તેમ જ છ અઠવાડીયા કરતા વધારે સગર્ભા મહિલાઓ સામેલ નહી થઈ શકે. અમરનાથયાત્રા 29 જૂને શરૂ થઈને 7 ઓગષ્ટે પુરી થાય છે.
અમરનાથ ગુફાના શિવમંદિરે દર્શન માટે 14,૦૦૦ ફુટની ઉંચાઈ સુધીના પ્રવાસ બાબતે બોર્ડે બહાર પાડેલી સૂચનાઓ પ્રમાણે ઘણી ઉંચાઈ પર પહોંચતા ચોક્કસ વ્યાધિઓ (હાઈ-ઓલ્ટિટયુડ સિકનેસ)નો સામનો કરતા લોકોને યાત્રામાં સામેલ થવા બાબતે સાવધાનીથી નિર્ણય લેવાની સલાહ આપવામાં આવી છે. ભૂખ ન લાગવી, ઉબકા આવવા, ખૂબ થાક લાગવો વગેરે હાઈ-ઓલ્ટિટયુડ સિકનેસના લક્ષણો છે. એ લક્ષણોના ઉપચાર સમયસર કરવામાં ન આવે તો મૃત્યુની પણ શકયતા રહે છે. એ સંજોગોમાં દરેક યાત્રાળુએ પિલગ્રિમેજ પરમિટ મેળવવાની રહે છે. એ પરમિટ માટે એપ્લિકેશન ફોર્મ ભરીને સાથે કમ્પલ્સરી હેલ્થ સર્ટીફીકેટ સુપરત કરવાનું રહે છે. એકાદ મહિના પહેલા રોજ ચારથી પાંચ કિ.મી. ચાલવાની કસરત અને યોગ-પ્રાણાયામનો અભ્યાસ શરૂ કરવાની સલાહ પણ આપવામાં આવી છે. વિગતવાર સૂચનો બોર્ડની વેબસાઈટ www.shriamarnathjishrine.com ઉપર ઉપલબ્ધ છે