Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, 'ટીકાકારો રઘવાયા થયા છે'

કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, 'ટીકાકારો રઘવાયા થયા છે'
, મંગળવાર, 15 માર્ચ 2022 (18:45 IST)
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 11 માર્ચે રિલીઝ થયેલી ફિલ્મ #TheKashmirFiles પર પ્રતિક્રિયા આપી છે. ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં વડા પ્રધાને કરેલા સંબોધનમાં આજે ફિલ્મને લઈને વિસ્તારથી વાત કરી હતી.
 
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં કહ્યું, "આપણા દેશનું દુર્ભાગ્ય છે કે ઇતિહાસને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમાજની સામે યોગ્ય સમયે મૂકવામાં આવ્યો નથી, જેમાં પુસ્તકોનું મહત્ત્વ હોય છે, કવિતાઓનું મહત્ત્વ હોય છે, સાહિત્યનું મહત્ત્વ હોય છે અને એ જ રીતે ફિલ્મજગતનું પણ મહત્ત્વ હોય છે."
 
"આખી દુનિયા માર્ટિન લ્યુથરની વાત કરે છે, નેલ્સન મંડેલાની વાત કરે છે, પરંતુ દુનિયા મહાત્મા ગાંધીની ચર્ચા બહુ ઓછી કરે છે."
 
નરેન્દ્ર મોદીએ કહ્યું કે "જો એ સમયે કોઈએ હિંમત કરીને મહાત્મા ગાંધીના આખા જીવન પર એક ફિલ્મ બનાવી હોત અને એ દુનિયા સામે રાખી હોત તો કદાચ આપણે સંદેશ આપી શકત. પહેલી વાર એક વિદેશીએ જ્યારે મહાત્મા ગાંધી પર ફિલ્મ બનાવી અને પુરસ્કાર મળ્યો તો દુનિયાને ખબર પડી કે મહાત્મા ગાંધી કેટલા મહાન હતા."
 
પીએમ મોદીએ લોકો પર વ્યંગ કરતાં કહ્યું કે "ઘણા લોકો ફ્રીડમ ઑફ એક્સપ્રેશનની વાત તો કરે છે, પરંતુ તમે જોયું હશે કે ઇમર્જન્સી પર કોઈ ફિલ્મ ન બનાવી શક્યું, કેમ કે સત્યને સતત દબાવવાનો પ્રયાસ થતો રહ્યો છે. ભારતવિભાજન, જ્યારે 14 ઑગસ્ટને એક હૉરર દિવસના રૂપમાં યાદ કરવા માટે નક્કી કર્યું તો ઘણા લોકોને વાંધો હતો."
 
વડા પ્રધાન મોદીએ કહ્યું કે આખરે દેશ આ બધું કેવી રીતે ભૂલી શકે, તેનાથી પણ શીખવા મળે છે.
 
નરેન્દ્ર મોદીએ કહ્યું, "ભારતવિભાજનની વાસ્તવિકતા પર શું ક્યારેય કોઈ ફિલ્મ બની... આથી તમે જોયું હશે કે આજકાલ જે નવી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' આવી છે, તેની ચર્ચા ચાલી રહી છે. અને જે લોકો હંમેશાં ફ્રીડમ ઑફ એક્સપ્રેશનના ઝંડા લઈને ફરતા હતા, તે રઘવાઈ ગયા છે."
 
"છેલ્લા પાંચ-છ દિવસથી આ ફિલ્મનાં તથ્યો અને અન્ય ચીજોને આધારે વિવેચના કરવાને બદલે તેની સામે અભિયાન છેડ્યું છે."
 
મોદીએ કહ્યું કે "ફિલ્મ મારો વિષય નથી, મારો વિષય છે કે જે સત્ય છે એને યોગ્ય સ્વરૂપમાં દેશની સામે લાવવું એ દેશની ભલાઈ માટે હોય છે. તેનાં અનેક પાસાં હોઈ શકે છે."
 
"જો તમને આ ફિલ્મ સારી ન લાગે તો તમે બીજી ફિલ્મ બનાવો. કોણ ના પાડે છે, પરંતુ તેમને પરેશાની થઈ રહી છે કે જે સત્યને આટલાં વર્ષો સુધી દબાવીને રાખ્યું, એને તથ્યોના આધારે બહાર લવાઈ રહ્યું છે, તો તેની સામે પૂરી કોશિશ લગાવાઈ રહી છે.
 
મોદીએ કહ્યું કે "આવા સમયે જે સત્ય માટે જીવનારા લોકો છે, તેમના માટે સત્યની ખાતર ઊભા રહેવાની જવાબદારી હોય છે અને હું આશા રાખું છું કે આ જવાબદારી બધા લોકો નિભાવશે."

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રિલેશન બનાવતા સમયે ગર્લફ્રેંડએ છરીથી કર્યો હુમલો, કહ્યુ દેશ માટે કર્યુ