કોલકતાની આર. જી. કર કૉલેજ અને હૉસ્પિટલના અધિકારીઓ અને પીડિતાના પરિવારના સભ્યો વચ્ચે ફોન કૉલ્સની ઑડિયો રેકૉર્ડિંગ સામે આવતા મહિલા તબીબ સાથે બળાત્કાર અને હત્યાના કેસમાં વિવાદ વધી ગયો છે.
ગુરુવારે સોશિયલ મીડિયા પર રેકૉર્ડિંગ વાયરલ થઈ હતી જે બાદ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે હૉસ્પિટલના અધિકારીઓએ ન માત્ર ખોટી માહિતી આપી પરંતુ તેમનો વ્યવહાર પણ અસવંદેનશીલ હતું.
સોશિયલ મીડિયામાં ત્રણ ઑડિયો ક્લિપ્સ વાઇરલ થઈ છે, જેમાં એક ક્લિપ 71 સેકન્ડની છે, બીજી ક્લિપ 46 સેકન્ડની અને ત્રીજી 28 સેકન્ડની છે. કેટલીક ખાનગી ન્યૂઝ ચેનલો પણ આ ઑડિયો રેકૉર્ડિંગ ચલાવી રહી છે.
હૉસ્પિટલમાં આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડન્ટ તરીકેની ઓળખ આપીને એક મહિલાએ આ ત્રણેય ફોન કૉલ પીડિતાના પિતાને કર્યા હતા.
તેમણે કહ્યું કે, "આ ઑડિયો ક્લિપ્સથી પુરવાર થાય છે કે અમે ક્યારેય શરૂઆતમાં એવું કહ્યું નથી કે આત્મહત્યાના કારણે મહિલા તબીબનું મૃત્યુ થયું છે. આ ક્લિપસથી એ પણ સાબિત થાય છે કે અમે ક્યારેય નથી કહ્યું કે આ આત્મહત્યાનો મામલો છે."
પીડિતાના પરિવારજનોએ અગાઉ જણાવ્યું હતું કે નવ ઑગસ્ટના રોજ હૉસ્પિટલમાંથી ત્રણ વખત ફોન આવ્યા બાદ તેઓ ત્યાં પહોચ્યા હતા. બેડશીટ બદલવા બાબતે વિવાદ દરમિયાન ગુરુવારે પરિવારજનોએ દીકરીના મૃતદેહને જે ચાદરથી ઢાંકવામાં આવ્યો હતો તેના રંગ વિશે વાત કરી હતી.
ડેપ્યુટી કમિશનર ઇન્દિરા મુખરજીએ ગુરુવારે મીડિયાને જણાવ્યું, "સોશિયલ મીડિયામાં અમુક વીડિયો ક્લીપ વાઇરલ થઈ છે અને કેટલીક ટેલિવિઝન ચેનલોમાં મૃતદેહને જે ચાદરથી ઢાંકવામાં આવ્યો હતો તેના રંગને લઈને ચર્ચા કરવામાં આવી રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે પહેલાં ચાદરનો રંગ વાદળી હતો અને ત્યારબાદ અલગ રંગની ચાદર હતી."
તેમણે કહ્યું, "અમે તે દિવસે બપોરે 12:25 વાગ્યે ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરાવી હતી. હું કહી શકું છું કે ચાદરનો રંગ વાદળી હતો."
"કેટલાક લોકો દાવો કરે છે કે ચાદરનો રંગ લીલો અથવા બીજું કંઈક હોઈ શકે છે, પરંતુ એવું નથી. અમે આ તમામ રેકૉર્ડ સીબીઆઈને સોંપી દીધો છે."