દિલ્હી યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર જીએન સાઈબાબાનું શનિવારે સાંજે હૈદરાબાદની નિમ્સ હૉસ્પિટલમાં નિધન થયું છે. તેમણે રાત્રે 8:36 કલાકે દેહ છોડ્યો હતો.
મળતી માહિતી મુજબ સાઈબાબાને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગયા મહિને તેમના ગૉલ બ્લૅડરને દૂર કરવા માટે સર્જરી કરવામાં આવી હતી, જેને લીધે સ્થિતિ બગડતાં તેમને હૉસ્પિટલમાં લઈ
જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું હૃદય કામ કરતું ન હતું.
ડૉકટરો તેમને સીપીઆર આપી રહ્યા હતા,પરંતુ તેમનો જીવ બચાવી શકાયો ન હતો. બાદમાં ડૉક્ટરોએ સાઈબાબાના નિધનની જાહેરાત કરી.
તેમનાં પત્ની વસંતાએ એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે, "ગયા મહિને 28મી સપ્ટેમ્બરે હૈદરાબાદની નિમ્સ હૉસ્પિટલમાં પિત્તાશયને દૂર કરવાના સફળ ઑપરેશન બાદ સાઈબાબા સ્વસ્થ થઈ ગયા હતા."
"પરંતુ તેમને પેટમાં શૂળ ઊપડ્યું હતું. ઑપરેશનના છ દિવસ પછી પેટની અંદર જ્યાં પિત્તાશયને હઠાવીને સ્ટંટ લગાવવામાં આવ્યું હતું ત્યાં સંક્રમણ શરૂ થઈ ગયું હતું."
"છેલ્લા એક અઠવાડિયાથી સાઈબાબાને 100 ડિગ્રી કરતાં વધુ તાવ અને પેટમાં દુખાવો હતો. તબીબો તેમની દેખરેખ રાખી રહ્યા હતા.
જ્યાં સર્જરી કરવામાં આવી હતી ત્યાંથી 10 ઑક્ટોબરે સાઈબાબાના પેટમાંથી પરુ દૂર કરવામાં આવ્યું હતું. એ પછી તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા."
"પેટમાં સોજાને કારણે તેમને ખૂબ દુખતું હતું. સર્જરી થઈ હતી ત્યાં અંદરના ભાગે તેમને બ્લિડિંગ થઈ રહ્યું હતું, જેને લીધે પેટમાં સોજો થયો અને બ્લડપ્રેશર ઓછું થઈ ગયું હતું."
"શનિવારે તેમના હૃદયે કામ કરવાનું બંધ કરી દીધું હતું. એ પછી ડૉક્ટરોએ તેમને સીપીઆર આપ્યું, પણ તેમનો જીવ બચી શક્યો ન હતો."
દિલ્હી યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર જીએન સાઈબાબાની વર્ષ 2014માં અનલોફુલ ઍક્ટિવિટીઝ (પ્રિવેન્શન) ઍક્ટ હેઠળ ધરકપકડ કરવામાં આવી હતી.
તેમના પર માઓવાદી સંગઠનો સાથે સંબંધો રાખવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
વર્ષ 2017માં તેમને દોષિત ઠેરવતા કોર્ટે જનમટીપની સજા સંભળાવી હતી. પરંતુ 14 ઑક્ટોબર, 2022ના રોજ બૉમ્બે હાઇકોર્ટની નાગપુર બૅન્ચે જીએન સાઈબાબાને છોડી મૂક્યા હતા.
24 કલાકની અંદર જ 15 ઑક્ટોબરે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમઆર શાહ અને જસ્ટિસ બેલા ત્રિવેદીની બૅન્ચે હાઈકોર્ટના આ નિર્ણયને પલટાવી દીધો હતો.
સુપ્રીમ કોર્ટનું માનવું હતું કે સાઈબાબા સમેત અન્ય આરોપીઓ દેશની સંપ્રભુતા અને અખંડતા સામે ખૂબ જ ગંભીર અપરાધના દોષી છે.
આ વર્ષે પાંચ માર્ચે બૉમ્બે હાઈકોર્ટની નાગપુર બૅન્ચે તેમને ફરી એક વાર નિર્દોષ જાહેર કર્યા અને કહ્યું છે કે ઇન્ટરનેટ પરથી સામ્યવાદી કે નક્સલી સાહિત્ય ડાઉનલોડ કરવું કે કોઈ વિચારધારાના સમર્થક હોવું એ
યુએપીએ હેઠળ આવતા અપરાધોની શ્રેણીમાં આવતું નથી.