ભુવનેશ્વરથી હાવડા જઈ રહેલ જનશતાબ્દી એક્સપ્રેસમાં આજે સવારે આગ લાગી ગઈ. ટ્રેનના એક કોચમાં આગ લાગવાથી સ્ટેશન પર અફરા-તફરી મચી ગઈ. જો કે જાનમાલને કોઈ નુકશાન પહોંચ્યુ નથી. અચાનક આગ લાગવાથી લોકો ગભરાય ગયા અને મુસાફરો ડબ્બામાંથી નીચે ઉતરવા લાગ્યા. ઘટના બની ત્યારે ટ્રેન કટક સ્ટેશન પર પહોંચી હતી. ઘટના સ્થળ પર પહોચેલ ફાયર બ્રિગેડની ગાડીઓએ આગ પર તરત જ કાબુ મેળવી લીધો. તેનાથી ટ્રેનને કોઈ ખાસ નુકશાન થયુ નથી.
સમાચાર મળતા જ ડબ્બામાંથી નીચે ઉતર્યા લોકો
મળતી માહિતી મુજબ, જન શતાબ્દી એક્સપ્રેસ ગુરુવારે સવારે ભુવનેશ્વર સ્ટેશનથી નીકળીને કટક સ્ટેશન પહોંચી હતી. કટક પહોંચતા જ ટ્રેનની બ્રેક જામ થઈ ગઈ અને એક બોગીની નીચે આગ લાગી ગઈ.
આગ ઓલવ્યા બાદ ફાયર સેફ્ટી ટીમે ટ્રેનની સંપૂર્ણ તપાસ કરી હતી. બ્રેક બાઈન્ડિંગના કારણે આગ લાગી હોવાની માહિતી રેલવે દ્વારા આપવામાં આવી છે.
રેલવે તરફથી કહેવામાં આવ્યું છે કે આગ ઓલવ્યા બાદ ટ્રેનને રવાના કરી દેવામાં આવી છે. આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી. ટ્રેનને પણ કોઈ ખાસ નુકસાન થયું નથી. જોકે, અકસ્માત બાદ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.