યૂનાઈટેડ બેંક ઓફ ઈંડિયાની કરોલ બાગ બ્રાંચમાં બસપાના ખાતામાં 104 કરોડ અને માયાવતીના ભાઈ આનંદ કુમારના ખાતામાં 1.43 કરોડ રૂપિયાની રકમ જમા કરવાનો ખુલાસો થયો છે. ઈન્કમ ટેક્સ વિભાગે તેમના વિરૂદ્ધ બેનામી સંપત્તિ મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. દિલ્હીના કરોલ બાગ સ્થિત યૂનિયન બેંક ઓફ ઇન્ડિયામાં એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા સોમવારે તપાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી
આ તપાસ દરમિયાન ઈડીને યૂનિયન બેંકની શાખામાં 2 એવા એકાઉન્ટ મળ્યા જેમાં નોટબંધીના નિર્ણય બાદ કરોડો રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા. જેમાં એક ખાતાધારક માયાવતીના ભાઈ આનંદકુમાર છે. જેમના ખાતામાં ઈડીને એક કરોડ 43 લાખ રૂપિયા મળ્યા તો બીજુ ખાતું બસપાનું પોતાનું છે જેમાં ઈડીને 104 કરોડ રૂપિયા મળી આવ્યા હતા.
આ બંને ખાતામાં 8 નવેમ્બર બાદ જુદી જુદી તારીખે આ રકમ નાના નાના ટુકડાઓમાં જમા કરવામાં આવી હતી. ઈડી દ્વારા આ તપાસમાં ઇન્કમ ટેક્સ વિભાગને પણ માહિતી આપતા જોડવામાં આવ્યું છે. જેના આધારે ઇન્કમ ટેક્સ વિભાગ હવે આ રકમની ખરાઈ કરશે. ઉલ્લેખનીય છે કે આ મામલે હજુ સુધી કોઈ કેસ દાખલ કરવામાં નથી આવ્યો કે કોઈ ધરપકડ પણ કરવામાં નથી આવી.