Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલિકાઓ-નગરપાલિકાઓ વિસ્તારમાં રોડ-રસ્તાની પ્રવર્તમાન સ્થિતીની કરી સર્વગ્રાહી સમીક્ષા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલિકાઓ-નગરપાલિકાઓ વિસ્તારમાં રોડ-રસ્તાની પ્રવર્તમાન સ્થિતીની કરી સર્વગ્રાહી સમીક્ષા
, બુધવાર, 31 ઑગસ્ટ 2022 (10:10 IST)
વરસાદ રહી જાય એટલે સપ્ટેમ્બર માસના પ્રથમ પખવાડિયાથી જ ત્વરાએ માર્ગોનું દુરસ્તી કામ હાથ ધરવા મુખ્યમંત્રીએ કરી તાકિદ 
 
નાણાંના અભાવે પાયાની સુવિધાના માર્ગ મરામત કામો અટકવા નહિ દેવાય: ભૂપેન્દ્ર પટેલ
 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના વિસ્તારોમાં પ્રવર્તમાન ચોમાસાને કારણે માર્ગો-રસ્તાઓને જે અસર પહોંચી છે તે રિસર્ફેસિંગ, રિપેરિંગ અને માર્ગોના નવા કામો દ્વારા સત્વરે દૂર કરી સ્થિતિ પૂર્વવત કરવા સ્પષ્ટ તાકીદ કરી છે. મુખ્યમંત્રીએ આજે ગાંધીનગરમાં એક ઉચ્ચસ્તરિય બેઠક યોજીને રાજ્યમાં હાલના ચોમાસાની સ્થિતિને કારણે માર્ગોની મરામત માટેની જે જરૂરીયાત ઉભી થઇ છે, તેની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
 
માર્ગ અને મકાન રાજ્યમંત્રી જગદીશભાઇ વિશ્વકર્મા, શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદભાઇ મોરડીયા, મુખ્યમંત્રીના અગ્ર મુખ્ય સચિવ કે. કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજ કુમાર, અધિક મુખ્ય સચિવ પંકજ જોષી તેમજ શહેરી વિકાસ અગ્ર સચિવ મુકેશકુમાર અને માર્ગ મકાન વિભાગના સચિવ સંદીપ વસાવા અને સંબંધિત ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા. 
 
રાજ્યની આઠ મહાનગરપાલિકાના કમિશનરઓ તેમ જ રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનરઓએ પોતાના કાર્યક્ષેત્રોમાં આવેલા  વિસ્તારોમાં રસ્તાઓને થયેલા નુકશાન અને મરામત માટે કરવામાં આવેલી કામગીરી તથા મરામત આયોજનનો વિસ્તૃત ચિતાર વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સહભાગી થઇ આપ્યો હતો. ખાસ કરીને માર્ગોના પેચવર્ક, ખાડાઓ તથા ડેમેજ થયેલા માર્ગોને પૂન: મોટરેબલ બનાવવા હાથ ધરેલા કામો, હોટમિક્સ પ્લાન્ટ, વધારાના મેનપાવર પ્લાનીંગ અંગે વિસ્તૃત છણાવટ મહાનગરપાલિકા કમિશનરોએ કરી હતી.
 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુણવત્તાયુક્ત માર્ગો બને તથા ત્રણ વર્ષની ડિફેક્ટ લાયેબલિટીની મર્યાદામાં આવતા માર્ગોનું રિસર્ફેસિંગ, રિપેરિંગ સંબંધિત ઇજારદાર (કોન્ટ્રાક્ટર) દ્વારા સત્વરે હાથ ધરાય તે માટે અધિકારીઓ આવી કામગીરી પર સતત જાત નિરિક્ષણ કરે અને ગુણવત્તાયુક્ત કામ થાય તે સુનિશ્ચિત કરે. મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું કે, નાણાંના અભાવે જનતા જનાર્દનના આવા પાયાની સુવિધાના કામો અટકે નહીં તે માટે રાજ્ય સરકાર સ્થાનિક સત્તા તંત્રોની પડખે છે. 
 
તેમણે સ્ટેટ હાઇ વે, નેશનલ હાઇ-વે, મુખ્ય જિલ્લા માર્ગો તથા પ્લાન વિલેજ માર્ગોની સ્થિતિની પણ માર્ગ મકાન વિભાગના સચિવ અને ઉચ્ચ અધિકારીઓ સાથે સમિક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ એવું પણ સુચન કર્યું કે, માર્ગોની સંપૂર્ણ વિગતો ઓનલાઇન કરવામાં આવે જેથી નાગરિકોને પારદર્શી રીતે સમગ્ર કામગીરીનો ખ્યાલ આવી શકે. મુખ્યમંત્રીએ રાજ્યમાં વરસાદ રહી જાય કે ઓછો થાય કે તુરત જ સપ્ટેમ્બર મહિનાના પ્રથમ પખવાડીયામાં જ સત્વરે માર્ગ મરામતના કામો હાથ ધરાય અને નવરાત્રી સુધીમાં નગરો-મહાનગરોમાં માર્ગોની સ્થિતિ પૂર્વવત થઇ જાય તેવું આયોજન કરવા સૂચવ્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નવરાત્રિ બગાડશે મેઘરાજા, અંબાલાલ પટેલની આગાહી