દિલ્હીના નવા મુખ્યમંત્રીને લઈને છેલ્લા બે દિવસથી ચાલી રહેલા સસ્પેન્સનો આખરે અંત આવ્યો છે. આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને વર્તમાન શિક્ષણ મંત્રી આતિશી માર્લેના દિલ્હીના નવા મુખ્યમંત્રી હશે. પાર્ટીની ધારાસભ્ય દળની બેઠકમાં આતિશી માર્લેનાના નામને મંજૂરી આપવામાં આવી હતી. બે દિવસ પહેલા આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે તેઓ હવે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપશે. આતિશી માર્લેના રાજધાનીની કાલકાજી (દક્ષિણ) બેઠક પરથી ધારાસભ્ય છે. ચાલો જાણીએ કોણ છે દિલ્હીના નવા મુખ્યમંત્રી?
2020માં દિલ્હી વિધાનસભા ચૂંટણી સમયે ઈલેક્શન કમીશને આપવામાં આવેલ પોતાના શપથ પત્રમાં આતિશી માર્લેનાએ જણાવ્યુ હતુ કે તેમની પાસે લગભગ 1 કરોડ 41 લાખ રૂપિયાની સંપત્તિ છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેંક અને બેંક ઓફ બરોડામાં તેમના ત્રણ ખાતા છે. આ ખાતાઓમાં આતિશીના નામે લગભગ 1 લાખ 38 હજાર રૂપિયા જમા છે. સાથે જ, આતિશીએ SBI અને ICICI બેંકમાં અનુક્રમે રૂ. 39 લાખ અને રૂ. 18 લાખની બે એફડી કરી છે.
આતિશી પાસે નથી ગાડી કે નથી બંગલો
આતિશી માર્લેનાના પતિના નામે ICICI બેંકમાં ખાતું છે, જેમાં 8 લાખ રૂપિયા જમા છે. આ ઉપરાંત તેમની પાસે લગભગ 54 લાખ રૂપિયાની એફડી પણ છે. દિલ્હીના નવા મુખ્યમંત્રીના નામે ન તો કાર છે કે ન તો બંગલો. પોતાની સંપત્તિના ઘોષણામાં, આતિશી માર્લેનાએ 5 લાખ રૂપિયાની હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસીનો પણ ખુલાસો કર્યો છે. તેમના પતિનું લગભગ 13 લાખ રૂપિયાનું પીપીએફ ખાતું, 4.5 લાખ રૂપિયાની પોસ્ટલ એફડી અને 27 હજાર રૂપિયાની બચત છે.
કેજરીવાલના વિશ્વાસપાત્ર નેતાઓમાં છે આતિશી
આતિશી માર્લેના હાલ દિલ્હીના શિક્ષા મંત્રીનુ પદ સાચવી રહી હતી. તેમની ગણતરી પાર્ટી સંયોજક અરવિંદ કેજરીવાલના વિશ્વાસપાત્ર નેતાઓમાં કરવામાં આવે છે. દિલ્હીના કથિત દારૂ સ્કેમના મામલે જ્યારે અરવિંદ કેજરીવાલ જેલમાં હતા ત્યારે આતિશીએ ખૂબ જ અવાજ ઉઠાવ્યો હતો અને ભાજપ અને પીએમ મોદી પર પ્રહારો કર્યા હતા. અરવિંદ કેજરીવાલના રાજીનામાની જાહેરાત સાથે જ આ પદ માટે આતિષીનું નામ સૌથી આગળ માનવામાં આવતું હતું, જેને મંગળવારે મળેલી પાર્ટીની બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. અરવિંદ કેજરીવાલ સાંજે 4.30 વાગ્યે તેમના પદ પરથી રાજીનામું આપશે અને આ પછી, આતિષી માર્લેના વિધાનસભા પક્ષ વતી નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.