મેવાડના પૂર્વ રાજવી પરિવારના વંશજનું અવસાન
મેવાડના પૂર્વ રાજવી પરિવારના વંશજ અરવિંદ સિંહ મેવાડનું આજે રાજસ્થાનના ઉદયપુરમાં નિધન થયું છે. અરવિંદ સિંહના નિધનથી મેવાડમાં શોકની લહેર છવાઈ ગઈ છે.
અરવિંદ સિંહ મેવાડ લાંબા સમયથી બીમાર હતા, જેના કારણે આજે તેમણે અંતિમ શ્વાસ લીધા. આવતીકાલે સોમવારે રાજવી પરિવારની પરંપરા મુજબ અરવિંદ સિંહ મેવાડના અંતિમ સંસ્કાર થશે.
કોણ હતા અરવિંદ સિંહ મેવાડઃ
અરવિંદ સિંહ મેવાડનો જન્મ 13 ડિસેમ્બર 1944ના રોજ સિટી પેલેસ, ઉદયપુરમાં થયો હતો. અરવિંદ સિંહ HRH ગ્રુપ ઓફ હોટેલ્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર હતા. તેમણે પ્રારંભિક શિક્ષણ અજમેરની મેયો કોલેજમાંથી કર્યું હતું. મહારાણા ભૂપાલ કોલેજમાંથી આર્ટ્સમાં સ્નાતક થયા. આ પછી તેણે બ્રિટનની સેન્ટ આલ્બન્સ મેટ્રોપોલિટન કોલેજમાંથી હોટેલ મેનેજમેન્ટની ડિગ્રી લીધી.
ભગવંત સિંહે 15 મે 1984ના તેમના વસિયતનામામાં તેમના નાના પુત્ર અરવિંદ સિંહને તેમની મિલકતોનો વહીવટકર્તા બનાવ્યો હતો. તેમજ મહેન્દ્રસિંહને ટ્રસ્ટ અને મિલકતમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. ભગવંત સિંહનું અવસાન 3 નવેમ્બર 1984ના રોજ થયું હતું.