પોરબંદર કોસ્ટગાર્ડની લાપરવાહી
બોટ લાપત્તા થવા છતાં તપાસ ન કરી
આતંકવાદીઓએ ઉપયોગમાંથી લીધેલી પોરબંદરની ફિશીંગ બોટ બે દિવસથી જીપીએસ સિસ્ટમથી બંધ હતી. આમ છતાં પોરબંદર કોસ્ટગાર્ડે કોઇ જાતની તપાસ કરી ન હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે.
પોરબંદરની ફિશીંગ બોટ કુબેરનું અપહરણ કરી પાકિસ્તાનની દરિયાઇ સરહદથી મુંબઇ સુધી આતંકવાદીઓ લઇ ગયા હતા. આ બોટની જીપીએસ સિસ્ટમ એટલે કે વાયરલેસ સિસ્ટમ બે દિવસથી બંધ હતી. આમ છતાં આ અંગે કોસ્ટ ગાર્ડે કોઇ જાતની તપાસ કરી ન હતી.
મહારાષ્ટ્ર કોસ્ટગાર્ડે કુબેર બોટને કબ્જે કરી તેની જીપીએસ સિસ્ટમ દ્વારા આ બોટ ક્યાં ક્યાં ફરી હતી તેની માહિતી મેળવવા સઘન તપાસ હાથ ધરી છે. જ્યારે બોટના લાપત્તા ખલાસીઓનો હજુ સુધી કોઇ પતો લાગ્યો નથી તો બોટમાંથી કેપ્ટન અમરસિંહની લાશ મળી આવી હતી.
મુંબઇ પોલીસે પાકિસ્તાનના ફરીદકોટના એક આતંકવાદીને પકડી પાડ્યો છે. આ ઉપરાંત પોલીસે 9 જેટલા શકમંદોની ધરપકડ કરી છે.