Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફિલ્મ સમીક્ષા : : લેડિઝ વર્સિસ રિકી બહેલ

ફિલ્મ સમીક્ષા : : લેડિઝ વર્સિસ રિકી બહેલ
IFM
કલાકાર: રણવિર સિંહ, અનુષ્કા શર્મા, દિપાન્તિતા શર્મા, પરિનીતી ચોપરા, અદિતી શર્મા
ડાયરેક્ટર: મનિષ શર્મા
નિર્માતા: યશ રાજ ફિલ્મ્સ
સંગીત: સલિમ-સુલૈમાન

રિકી બહેલ (રણવિર) સ્વભાવે મોજીલો છે અને સ્ત્રીઓને છેતરવામાં અવ્વલ છે. તે ફેમસ અને પૈસાદાર સ્ત્રીઓને આકર્ષે છે અને અંતે તેમના દિલ તોડીને અને બેન્ક ખાતામાં ધાડ પાડીને ચાલ્યો જાય છે. જ્યા સુધીમાં સ્ત્રીઓ તેને પકડે તે પહેલા તો તે છૂ થઈ ગયો હોય છે અને પોતાના નવા શિકાર તરફ આગળ પણ વધી ગયો હોય છે. તે માત્ર ઝડપથી પૈસા કમાવા માંગે છે. એવામાં તેનો ચાર્મિંગ અને આકર્ષક લૂક સ્ત્રીઓને છેતરવામાં તેને મદદ કરે છે. રિકીની આ છેતરામણી ભરી રમતો ત્યા સુધી ચાલતી રહે છે જ્યા સુધી તે ફિમેલ સ્પર્ધક ઈશિકા દેસાઈ (અનુષ્કા)ને મળે છે. ઈશિકા રિકીની બધી ચાલથી પરિચીત છે કારણ કે તે પોતે પણ આ જ કામ કરે છે. હવે, અસલી ડ્રામા ત્યારે શરૂ થાય છે જ્યારે એક કોનમેન અન્ય કોન-મેન (વુમન) માટે જાળ બિછાવે છે. કોણ કોની જાળમાં ફસાય છે તે જોવા માટે તો ફિલ્મ જોવી રહી.

ફિલ્મનો પહેલા ભાગમાં 3 નાની લવસ્ટોરી બતાવાય છે, ડિમ્પલ (પરિનીતી ચોપરા), રૈના(દિપાન્તિતા શર્મા) અને સૈરા(અદિતી શર્મા) સાથે પ્રેમની રમત રમીને રિકી તેમના પૈસા લઈને છૂ થઈ જાય છે. ડિમ્પલ સાથેની લવસ્ટોરી મજાની છે, દિપાન્તિતા શર્મા સાથેની લવસ્ટોરી ઠીક છે, જ્યારે અદિતી સાથેની સ્ટોરી ખાસ દમદાર નથી લાગતી. જો તમે 'બેન્ડ બાજા બારાત'થી એક લેવલ વધારે મનોરંજક ફિલ્મની આશા રાખીને જોવા જશો તો નિરાશ થશો. અનુષ્કા રિકીને છેતરવા પોતાની ગર્લ ગેન્ગ દ્વારા જેટલી પણ ચાલો રમે છે તે અવાસ્તવિક લાગે છે. ઈન્ટરવલ પછીનો ભાગ બોરિંગ લાગે છે. યુવાનોને આ ડ્રામા પસંદ નહીં આવે. ફિલ્મની શરૂઆત રસપ્રદ છે, અંત પણ સારો છે. અલબત્ત, શરૂઆત અને અંતની વચ્ચે ઘણી ક્ષણો નિરાશાજનક લાગી શકે.

મનિષ શર્માએ ફિલ્મમાં ઘણી સિકવન્સ બહુ જ સારી રીતે હેન્ડલ કરી છે. દિલ્હીમાં શરૂ થતી વાર્તા અને ફિલ્મનો અંત ઘણો જ રસપ્રદ છે. જો કે, 'બેન્ડ બાજા બારાત'ની સરખામણીમાં મનિષ પાસે રાખેલી અપેક્ષા પૂરી નથી થતી.

અનુષ્કાએ પોતાની પર્સનાલિટીનું વધુ એક રૂપ દેખાડ્યુ છે જે ખરેખર પ્રશંસનીય છે. તેણે પોતાના પાત્રને જે રીતે સમજીને પડદાં પર ઉતાર્યું છે નોંધનીય છે. રણવિર છવાઈ જાય છે. તે બહુ જ સરળતાથી પોતાના પાત્રમાં ઢળી ગયો છે. જો પોતાની કારકીર્દિ પર ધ્યાન આપે અને યોગ્ય ભૂમિકા પસંદ કરે તો તે ઘણો આગળ જઈ શકે છે. પરિનીતી સરપ્રાઈઝ પેકેજ છે. પડદાં પર તે અદ્દભુત લાગે છે અને મુક્ત બનીને અભિનય કરે છે. દિપાન્તિતા અને અદિતીએ પોતાના પાત્રને સારી રીતે નિભાવ્યા છે.

હબીબ ફૈઝલના સંવાદો વિનોદી છે. વન-લાઈનર ડાયલોગ્સમાં રમૂજ કુશળતા પૂર્વક વણેલી છે. સલીમ-સુલૈમાનનું સંગીત એ-વન છે. ગીતકાર અમિતાભ ભટ્ટાચાર્યના શબ્દો સાથે 'આદત સે મજબૂર', 'જઝબાત' વાઈબ્રન્ટ છે. છેલ્લે આવતું 'ઠગ લે' તેની કોરિયોગ્રાફીને કારણે અલગ તરી આવે છે. અસિમ મિશ્રાની સિનેમેટોગ્રાફી સુપર છે.

ટૂંકમાં, રવિવાર સુધીમાં જોઈ આવજો...મિસ કરવા જેવી નથી.

Share this Story:

Follow Webdunia gujarati