ફિલ્મ સમીક્ષા : ભાગ મિલ્ખા ભાગ
ભાગ મિલ્ખા ભાગ એ છેલ્લા શબ્દ હતા એ 13 વર્ષીય બાળકના પિતાના, જેઓ મરતા પહેલા બોલ્યા હતા. ત્યારબાદ એ છોકરાએ એવી તે દોડ લગાવી કે દુનિયાના ઘણા દેશોમાં તેણે સફળતાનો ધ્વજ લહેરાવી દીધો. ભારતનું નામ ઉંચુ કરી દીધુ. વાત મિલ્ખા સિંહની થઈ રહી છે,જેમની જીંદગી પર રાકેશ ઓમપ્રકાશ મેહરાએ 'ભાગ મિલ્ખા ભાગ' નામની ફિલ્મ બનાવી છે. શુ મિલ્ખા સિંહની જીંદગીમાં આવી ઘટનાઓ બની છે જેના પર ફિલ્મ બનાવવામાં આવે ? જેનો જવાબ સકારાત્મક છે. ભારત-પાક વિભાજનની ત્રાસદી, નાની-મોટી ચોરીઓ, પ્રેમ-પ્રસંગ, સેનામા ભરતી દૂધ પીવા માટે દોડવુ અને આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રસિદ્ધિ મેળવવી. આ બધી વાતોએક ફિલ્મ માટે પૂરતી છે. મિલ્ખા સિંહના જીવનમાં ઘણી ઘટનાઓ બની અને તેમાંથી કોને લેવી અને કોને છોડવી નિર્દેશક રાકેશ ઓમપ્રકાશ મેહરા અને લેખક પ્રસૂન જોશી માટે મુશ્કેલ બન્યુ હશે. કેટલીક વાતો છૂટી ગઈ, પણ બધી વાતોને લઈ પણ શકાતી નહોતી. અહી પ્રસ્તુતિકરણ ખૂબ જ મહત્વનુ છે અને રાકેશ ઓમપ્રકશ મેહરાએ સતત ફ્લેશબેકનો ઉપયોગ કરી ઘટનાઓ રજૂ કરી છે. મિલ્ખા સિંહની જીંદગીમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા. 1947ના પહેલા તેઓ ભારતના એ ભાગમાં રહેતા અહ્તા જે હવે પાકિસ્તાનમાં છે. ભારત-પાક વિભાજનને કારણે ચારેબાજુ લોહીની હોળી રમાઈ રહી હતી. મિલ્ખા અને તેની બહેનને છોડી પરિવારના બધા સદસ્યો આ હિંસાનો ભોગ બન્યા હતા. મિલ્ખા પોતાની બહેન સાથે ભારત આવ્યો. બહેને તેને ઉછેરીને મોટો કર્યો.
ખોટા મિત્રોની સંગતથી મિલ્ખા બગડી ગયો. રેલમાંથી કોલસાની ચોરી કરી પૈસા કમાવવા લાગ્યો. એક યુવતી સાથે પ્રેમ થયો તો તેણે ચેલેંજ કર્યુ કે કંઈક બનીને બતાવ. મિલ્ખા સેનામાં ભરતી થયો. રોજ દૂધ પીવાની તેની ઈચ્છા હતી. દૂધ તેને જ મળતુ જે દોડવામાં સૌથી આગળ હોય, રેસ થાય છે અને મિલ્ખા ફર્સ્ટ આવે છે. ત્યારબાદ સફળતાની સીઢી તે ચઢતો જ જાય છે. આ બધાની વચ્ચે ઘણી એવી ઘટનાઓ છે, જેમા કેટલીક દિલને સ્પર્શી જાય છે. તો કેટલીક ફિલ્મની લંબાઈને વધારે છે. મિલ્ખા દ્વારા બે ડબ્બા ઘી પી જવુ, પહેલીવાર ઈંડિયાનુ બ્લેઝર પહેરવુ, બહેનને તેના ઈયરિંગ પરત કરવા, પ્રતિદ્વંદી દ્વારા મિલ્ખાને માર મારવો, ઘાયલ મિલ્ખાનુ દોડમાં ભાગ લઈને જીતવુ શ્રેષ્ઠ પ્રસંગ છે. બીજી બાજુ ઓસ્ટ્રેલિયાઈ યુવતીનો પ્રેમ પ્રસંગવાળો ભાગ થોડો વધુ ખેંચાય ગયો છે. શક્ય છે કે આ છેકે આ બધુ મિલ્ખાના જીવનમાં બન્યુ હોય, પણ નિર્દેશકથી ભૂલ એ થઈ કે એ બધી વાતો મિલ્ખાનો કોચ નિવેદન આપે છે, અને એક કોચ આટલુ બધુ કેવી રીતે જાણી શકે છે ? એક એથલીટની ફિલ્મમાં આટલા ગીતોનો સમાવેશ કરવા પાછળ પણ કોઈ તુક નથી. મિલ્ખાનુ બાળપણ, મિલ્ખાનો પ્રેમ પ્રસંગ અને મિલ્ખાની રમત, આ ત્રણ ટ્રેક પર ફિલ્મ ચાલતી રહે છે. મિલ્ખાના બાળપણના ફુટેજ વધુ લેવામાં આવ્યા છે. બાળપણમાં બનેલી ઘટનાઓ મિલ્ખાના મનમાં કડવાશ ભરી દે છે અને તેના આધાર પ જ તેણે પાકિસ્તાન જઈને દોડવાની ના પાડી દીધી હતી. મિલ્ખાના આ નિર્ણયને પુરાવા રૂપે લેખક અને નિર્દેશકને આ બધુ કરવુ પડે છે,પણ આને નાનો કરી શકાતો હતો. રાકેશ ઓમપ્રકાશ મેહરાએ ફિલ્મ બનાવતા તેના વ્યવસાયિક હિતો વિશે પણ વિચાર્યુ નએ કેટલાક દ્રશ્ય ડ્રામેટિક અંદાજમાં રાખ્યા. તેમણે રોમ ઓલિમ્પિક (1960)માં થયેલ રેસ, જેમા મિલ્ખા હારી ગયો હતો તેને ફિલ્મની શરૂઆતમાં મુક્યુ. પાકિસ્તાનમાં આયોજીત રેસને તેમણે ક્લાઈમેક્સમાં મુક્યુ જેથી દર્શકોની સીટીઓ અને તાળીઓ મારવાની તક મળે અને જોરદાર અંત સાથે સમાપ્તિ થાય.
એ સમયને ફરીથી જીવંત કરવો સહેલી વાત નથી અને નિર્દેશકની મહેનત તેમા જોવા મળી છે. પણ પ્રસ્તુતિકરણમાં થોડી વધુ કલ્પનાની જરૂર અનુભવાય છે. એનો મતલબ એ નથી કે રાકેશનુ કામ સારુ નથી. તેમણે શ્રેષ્ઠ ફિલ્મ બનાવી છે. ત્રણ કલાકથી વધુનો સમય હોવા છતા પણ ફિલ્મની લંબાઈ બોર નથી કરતી. પણ જ્યારે તમે એક મહાન એથલીટ પર ફિલ્મ બનાવો છો તો થોડી આશા વધી જાય છે. પ્રસૂન જોશીનુ લેખન શ્રેષ્ઠ છે. વાર્તા, સંવાદ અને ગીત તેમણે જ લખ્યા છે. મિલ્ખાના જીવનનો તેમણે ઝીણવટાઈથી અભ્યાસ કર્યો છે અને પછી તેને સ્ક્રિપ્ટનુ રૂપ આપ્યુ છે. તેણે લખેલા ગીત શ્રેષ્ઠ છે. રહાન અખ્તરે આ ફિલ્મનો મજબૂત સ્તંભ છે. તેણે પોતાના પાત્રને જીવી બતાવ્યુ છે. ફિલ્મ શરૂ થવાના થોડાકા જ ક્ષણ પછી તમે ભૂલી જાવ છો કે તમે ફરહાનને જોઈ રહ્યા છો. એવુ લાગે છે કે મિલ્ખા સિંહ સામે ઉભો છે. તેમણે પોતાના શરીર પર જે મહેનત કરી છે તે લાજવાબ છે. તેમના એક એક મસલ્સ બોલે છે. મિલ્ખાની મહેનત, તેનુ દર્દ એક ઝનૂન સરદારની અંદર ભભકતી આગને તેમણે સ્ક્રીન પર જીવંત કરી દીધુ છે. આખી ફિલ્મ તેની જ આસપાસ ફરે છે, અને તેણે પોતાના પાત્ર સાથે પૂરો ન્યાય કર્યો છે. પંજાબી ઉચ્ચારણમાં તેની જીભ થોડી લડખડાઈ છે, પણ તેને છોડીને તેમણે પોતાનુ સો ટકા પરફોર્મંસ આપ્યુ છે. પવન મલ્હોત્રા એક શ્રેષ્ઠ એક્ટર છે. મિલ્ખાના પ્રથમ કોચની ભૂમિકાને તેમણે ઝીણવટાઈથી પકડી છે અને કમાલની એક્ટિંગ કરી છે. મિલ્ખાની બહેનના રૂપમાં દિવ્યા દત્તા પોતાનો પ્રભાવ છોડે છે. મિલ્ખા જ્યારે બ્લેઝર પહેરી પોતાની બહેનને મળવા જાય છે તો એ દ્રશ્યમાં દિવ્યાની એકટિંગ જોવા લાયક છે. પ્રકાશ રાજ પાત્રની માંગ કરતા વધુ મોટા લાગ્યા, પણ તેમણે સારો સાથ આપ્યો છે. યોગરાજ સિંહની ઉપસ્થિતિ પણ જોરદર છે. સોનમ કપૂર, રેબેકા બીડ્સ અને મીશા શફી માટે વધુ કશુ કરવાનુ હતુ નહી, પણ જેટલો પણ રોલ મળ્યો તેને તેમણે સારી રીતે ભજવ્યો છે. નકલી હીરો અને સુપરહીરોની તો ઘણી ફિલ્મો તમે જોઈ હશે, પણ 'ભાગ મિલ્ખા ભાગ' એક રિયલ હીરોની સ્ટોરી છે. તેને જોવા માટે થિયેટર સુધી દોડ તો લગાવવી જ પડશે.
બેનર : બાયકોમ 28 મોશન પિક્ચર્સ, રાકેશ ઓમપ્રકાશ મેહરા પિક્ચર્સ નિર્માતા : રાજીવ ટંડન, રાકેશ ઓમપ્રકાશ મેહરા પિક્ચર્સ નિર્દેશક : રાકેશ ઓમપ્રકાશ મેહરા સંગીત : શંકર-એહસાન-લોય કલાકાર : ફરહાન અખ્તર, સોનમ કપૂર, રેબેકા બીડ્સ, પ્રકાશ રાજ, દલીપ તાહિલ, દિવ્યા દત્તા, મીશા શફી, પવન મલ્હોત્રા, યોગરાજ સિંહ સેંસર સર્ટિફિકેટ : યૂ+ 3 કલાક 7 મિનિટ 48 સેકંડ રેટિંગ : 4/5