ફિલ્મ સમીક્ષા : હંસી તો ફંસી
હંસી તો ફંસી નામ આ ફિલ્મને સૂટ નથી કરતુ. થોડુ વલ્ગર કે નકારાત્મક લાગે છે, પણ ફિલ્મ એવી નથી. 'હંસી તો ફંસી' એક ખૂબ જ હલ્કી ફુલ્કી રોમાંટિક કોમેડી મૂવી છે જે મોટાભાગના સમયે દર્શકોનુ મનોરંજન કરવામાં સફળ રહે છે. ફિલ્મની કોમેડી દર્શકોને હસાવે છે, લીડ પેયરના રોમાંસને તમે અનુભવી શકો છો અને ઈમોશન્સ દિલને સ્પર્શી જાય છે. ફિલ્મના પાત્ર એટલા સારી રીતે લખાયા છે કે સિનેમાહોલમાંથી નીકળ્યા બાદ પણ યાદ રહે છે. ખાસ કરીને પરિણિતી ચોપડાનુ પાત્ર લાંબા સમય સુધી યાદ રહેશે. આમ પણ બોલીવુડમાં મહિલાઓ માટેના પાત્રને વિશેષ મહત્વ નથી આપવામાં આવતુ. પણ આ ફિલ્મમાં એવુ નથી.
ફિલ્મના હીરો નિખિલ (સિદ્ધાર્થ મલ્હોત્રા) એક લગ્નમાં જાય છે, ત્યારે એ જ ઘરની એક યુવતી મીતા (પરિણિતી ચોપડા) તેને ભાગતી દેખાય છે. નિખિલ તેને ભાગવામાં મદદ કરે છે. લગ્નમા નિખિલને કરિશ્મા (અદા શર્મા) સાથે પ્રેમ થઈ જાય છે. ત્યારબાદ સ્ટોરી સાત વર્ષ આગળ વધી જાય છે. નિખિલ અને કરિશ્માના લગ્ન થવાના છે. બધા મહેમાન આવી જાય છે. એવામા કરિશ્મા એક વણનોતર્યા મહેમાન મીતાને થોભાવવાની જવાબદારી નિખિલને આપે છે. મીતા અને કરિશ્મા બે બહેનો છે. પણ મીતાની હરકતો કોઈને ગમતી નથી. તેથી તે સાત વર્ષ પહેલા ઘર છોડીને ભાગી જાય છે. મીતાને નિખિલ પોતાના ઘરે લઈ જાય છે.